Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કેશુબાપાએ કોંગ્રેસમાં જોડાવા જઇ રહેલા હાર્દિકને આશિર્વાદ ન આપ્યા!

અમદાવાદ તા. ૧૨ : પાસ નેતા હાર્દિક પટેલે હવે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન હાર્દિક કોંગ્રેસનો ખેસ પહેરી લેશે. આ પહેલા સૂત્રોના અહેવાલથી એવા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનો ઇન્કાર કરી દીધો છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ માટે હાર્દિકે કેશુભાઈને મળવાનો સમય માંગ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનું ટાળી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેશુબાપા હાલ સક્રિય રાજકારણથી દૂર છે.

ગત અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામનું મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયું હતું. આ પ્રસંગે કેશુભાઈ પટેલ મંચ પર હાજર રહ્યા હતા. મંચ પર આવી પહોંચેલા પીએમ મોદી કેશુભાઈને જોતા જ તેમના પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

(3:56 pm IST)