Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પક્ષ છોડવાના કારણે કોંગ્રેસની ખખડી ગઇ હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ

અમદાવાદ : લોકસભાની ચૂંટણીની જાહેરાતોના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોંગ્રેસની બે વિકેટ ખરી છે. જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા બાદ કયો કોંગ્રેસી નેતા કે ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓનાં પક્ષ છોડવાથી ખખડી ગઈ હોય તેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે. 

લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાની મોસમ શરૂ થઈ છે. માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે. જવાહર ચાવડાએ કેબીનેટ મંત્રી તરીકે શપથ પણ લઈ લીધા અને પોતાની રાજ-નીતિથી કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. જવાહર ચાવડા હજુ 7 માર્ચ 2019ના રોજ ભાજપના વિરોધમાં સૂત્રો પોકારતા હતા. બીજા દિવસે એટલે કે 8 માર્ચ 2019ના રોજ તેમણે રાજીનામું આપીને પક્ષાંતર કરીને ભાજપ સાથે જોડાણ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. રેલીમાં જવાહર ચાવડા પણ ભાજપના સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે સૂત્રો પોકારતા જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસનાં 34થી વધુ દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો કોંગ્રેસના પંજાને છોડીને ભાજપનો ભગવો ધારણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કરનારા નેતાઓની વાત કરીએ તો તેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ પણ છે. આવો નજર નાખીએ પંજા નો સાથ છોડનારા નેતાઓ પર...

    શંકરસિંહ વાઘેલા 

    બળવંતસિંહ રાજપૂત

    કુવરજી બાવળિયા

    જસા બારડ

    દેવજી ફતેપરા

    રામસિંહ પરમાર

    હકુભા જાડેજા

    તેજશ્રી પટેલ

    મહેન્દ્ર સિંહ વાઘેલા

    અમિત ચોધરી

    આશા પટેલ

    જવાહર ચાવડા

    પરસોત્તમ સાબરિયા​

કોંગ્રેસને છોડીને પક્ષ પલટો કરનારા નેતાઓની યાદી ખૂબ લાંબી છે અને તેને ક્યારે અટકશે એ તો કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા કે વિપક્ષ નેતા ધાનાણીને પણ નહી ખબર હશે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, કોંગ્રેસમાં હવે કંઈ પણ બચ્યું નથી અને લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ કઈ રીતે લડશે તે એક મોટો સવાલ બનીને ઉભો થયો છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતાને તોડીને જોરદાર ફટકો માર્યો છે. પક્ષ પલટો કરનારા નેતાઓ માત્ર પોતાના પક્ષ સાથે નહી પણ પોતાના મતદારો સાથે પણ દ્રોહ કરીને પોતાનો અંગત સ્વાર્થ પૂર્ણ કરી રહ્યા છે. સાથે કોંગ્રેસને પણ પોતાના નેતાઓ પર ભરોષો રહ્યો નથી કે, કયો નેતા ક્યારે તેમના પક્ષને છોડી દેશે. કોંગ્રેસની હાલત હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે.

ચૂંટણી નજીક આવી રહી છે, તેમજ ૧૨મી માર્ચના દાંડી દિને કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક ગુજરાતમાં મળી રહી છે, ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધુ કથળી છે. થોડા સમય અગાઉ જ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. રાજ્યમાં લોકસભા ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલનો દોર શરૂ થઈ ગયો છે. ચાવડાનાં ભાજપ પ્રવેશ બાદ જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી, તે હવે તેમના માટે જીતવી મુશ્કેલ છે. ભાજપ પાસે કચ્છના વાસણ આહિર સિવાય આહિર સમાજનો કોઈ જ મજબૂત ચહેરો ન હતો. તેના આકારા પરિણામો વિધાનસભા- 2017માં સૌરાષ્ટ્રમાં ભાજપે ભોગવ્યા છે. આથી, ભાજપે મૂળ કોંગ્રેસી જવાહર ચાવડાને કેસરિયો ખેસ પહેરાવી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પર ક્લીન સ્વીપ કરવા માટે તૈયાર છે. જોકે, સવાલ સૌથી મોટો એ છે કે, પોતાના રાજકીય સ્વાર્થ કરનારા નેતાઓ સામે રાજકીય પક્ષો કે મતદારો ક્યારે એકજૂટ થઈને કોઈ નવી શરૂઆત કરશે કે આવા નેતાઓ જ રાજનીતિમાં નેતા કે ચૂંટાતા રહેશે.

(5:07 pm IST)