Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કોંગ્રેસે પાટીદારોને અવગણી જ્ઞાતિવાદનું રાજકારણ ખેલ્યુંઃ નારણ રાઠવા અને અમિ યાજ્ઞિકને રાજ્યસભાની ટિકીટ

ગાંધીનગરઃ ગુજરાતના રાજકારણમાં ફરી ક વખત જ્ઞાતિવાદનો ફુંફાડો જોવા મળ્યો છે. કેમ કે, ભાજપે પાટીદારોને રાજ્યસભાની ટિકીટ ફાળવી દેતા કોંગ્રેસે આદિવાસી તેમજ અન્ય વોટબેંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પૂર્વ રેલમંત્રી નારણભાઇ રાઠવા અને મહિલા ધારાશાસ્‍ત્રી અને મહિલા આગેવાન અમીબેન યાજ્ઞિકનું નામ જાહેર કર્યું છે.

રવિવારે દિલ્હીમાં બેઠકનો દોર જામ્યો હતો જેમાં ગુજરાતના કોંગ્રેસના કુલ ૨૨ નામો પૈકી કોના પર પસંદગીનો કળશ ઢોળવો તે મામલે ભારે કશ્મકશ ચાલી હતી.

શરૃઆતમાં તો દિપક બાબરિયાના નામ પર ટોપ ચાલી રહ્યુ હતું. પણ તમામ વિચારણાના અંતે ખુદ હાઇકમાન્ડે આ નામને પડતુ મૂકવા નક્કી કર્યુ હતુ કેમ કે,આગામી લોકસભાની ચૂંટણીને પગલે ભાજપે રુપાલા અને માંડવિયાને પુ:ન ટિકિટ આપી છે તે વાતને જોતાં,કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પોતાનું મન બદલ્યુ હતું. એઆઇસીસીમાંથી જનાર્દન દ્વિવેદીને રાજ્યસભામાં મોકલવી વાત પર જ મીડું મૂકી દીધુ હતુ. સૂત્રો કહે છેકે, આ વખતે પણ રાજ્યસભામાં ય પાટીદાર આગેવાનને મોકલવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આગ્રહ રાખ્યો હતો પણ હાઇકમાન્ડે આદિવાસી સહિત અન્ય સમાજને રાજયસભામાં તક આપવા મત વ્યક્ત કર્યો હતો જેના પગલે આદિવાસીઓ પર પ્રભુત્વ ધરાવતાં નેતાઓ પૈકી નારણ રાઠવા, પ્રભા તાવિયાડ અને ઇશ્વર વહિયાના નામ પર ચર્ચા થઇ હતી જેમાં આખરે પૂર્વ રેલમંત્રી નારણ રાઠવાના નામ સહમતિ સાધવામાં આવી હતી. કોંગ્રેસે પહેલેથી કોઇ એક મહિલાને રાજ્યસભામાં મોકલવા મન બનાવ્યુ હતુ જેના પગલે સૌથી પહેલાં સેવાના આગેવાન ઇલા ભટ્ટનું નામ પણ ચર્ચામાં આવ્યુ હતું. આ પછી હાઇકોર્ટના એડવોકેટ અને મહિલા આગેવાન અમીબેન યાજ્ઞિકની સર્વાનુમતે પસંદગી કરાઇ હતી.આમ,અનેક રાજકીય અટકળોનો અંત આવ્યો હતો.

(5:37 pm IST)