Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ચેક પરત ફરવાના કેસમાં સમાધાન માટે તક આપવા નીચલી કોર્ટોને હાઇકોર્ટનો આદેશ

આરોપી નાણા ચુકવી દેવા તૈયાર હોય તો તેની સામેનો કેસ પડતો મૂકવો જોઇએ

અમદાવાદ તા. ૧૨ : રાજયભરમાં ચેક રીટર્નના કેસોની સુનાવણી સાંભળતી તમામ નીચલી અદાલતોને હાઇકોર્ટે અગત્યના આદેશો જારી કર્યા છે. ચેક રીટર્નના કેસમાં આરોપીને એક તક આપીને સમાધાન તરફ લઇ જવા નીચલી કોર્ટોને આદેશ કર્યો છે.

સુપ્રીમકોર્ટે આપેલી ગાઇડલાઇન મુજબ હાઇકોર્ટે નીચલી અદાલતોને એવો નિર્દેશ કર્યો છે કે આરોપી તરફથી ચેક પરત ફરે ત્યારે કોર્ટોએ પ્રો ફોર્મા સમન્સ મોકલીને તેમને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. આરોપી તરફથી નાણા ચુકવવા ખાતરી આપવામાં આવે તો તે અંગે કોર્ટને ઓનલાઇન ખબર આપવી જોઇએ. ફરિયાદીએ એડવાન્સ ઇલેકટ્રોનિક કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવી કે ઇમેઇલ અથવા ટેક્ષ્ટ મેસેજ તેમના ઓફિસિયલ મોબાઇલ નંબર પર સમન્સ પાઠવવું જોઇએ.

હાઇકોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યુ છે કે નીચલી અદાલતોએ ચેક પરત ફરવાના કેસનો ઝડપી નિકાલ આવે તે માટે સમાધાનની ફોર્મ્યુલા પર વધુ ભાર મુકવાની જરૂર છે. દેશના કુલ કેસ પૈકી ૨૦ ટકા કેસ ચેક પરત ફરવાના નોંધાય છે.નીચલી કોર્ટોએ ચેક રીટર્નના કેસના ઝડપી નિકાલ માટે આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ. પ્રોફોર્મા સમન્સ આપવા પર નીચલી કોર્ટોએ ભાર મુકવો જોઇએ.

આરોપીઓ તરફથી કોર્ટમાં હાજર રહેવામાં બે કરતાં વધુ મુદત વીતી જાય તેમ છતાં હાજર ન રહે તો નીચલી કોર્ટોએ તેમને વધુ એક તક આપીને સમાધાનનો રસ્તો કરી આપવો જોઈએ.

(10:19 am IST)