Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચૂંટણીની ધમાલ વચ્ચે સવા કરોડની કડકડતી નોટો સાથે યુવક ઝડપાયો

આધાર પુરાવા આપી નહિ શકતા રકમ પોલીસે કબ્જે લીધીઃ તંત્રો વીજળીક ઝડપે કામે લાગ્યા

રાજકોટ : ર૧મી ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરમાં ચુંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. અમદાવાદની રામોલ પાસે રૂ.૧.૩૪ કરોડની રકમ સાથે આંગડીયા પેઢીના કર્મચારીને રીંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતા તેની પાસે રકમ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય રૂ.૧.૩૪ કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઇ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સુચના આપવામાં આવે છે.

પોલીસ રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરા પાસેથી બાતમીના આધારે ભાવેશ વાણંદ (ઉ.વ.ર૮ - રહે વાણીયા શેરી સોખડા)ની રૂ.૧.૩૪ કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.

રામોલ પીઆઇ કે.એસ. દવેના જણાવ્યા મુજબ, ભાવેશ નવરંગપુરા પી. પ્રવિણ નામની આંગડીયા પેઢીમાં નોકરીકરે છે અને આ રોકડ રકમ મુંબઇ મલાડ ખાતે આપવા જતો હોવાનું જણાવે છે. જો કે, રૂપિયા કોના છે તે બાબતે કોઇ આધાર પુરાવા ન હોવાથી તેની અટકાયત કરી રોકડ રકમ કબ્જે કરી છે. આમ ચૂંટણી સમયે જ મોટી રકમ પકડાતાં વિવિધ ચર્ચાઓેએ પણ જોર પકડયું છે.

(11:43 am IST)