Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ટૂંક સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાઈટ પ્લાસ્ટિક-ફ્રી બનશેઃ કાચની બોટલોમાં મળશે પાણી

સુરત,તા.૧૨: કેવડિયાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાઈટને ટૂંક સમયમાં પ્લાસ્ટિક ફ્રી બનાવી દેવામાં આવશે. આ માટેની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. એટલે કે પ્લાસ્ટિકની પાણીની બોટલો પણ અહીં જોવા નહી મળે.

વન વિભાગ દ્વારા અહીં જે રીતે પ્લાસ્ટિકની બોટલમાં ROનાં પાણી મળે છે તેના બદલે નર્મદાનું શુદ્ઘ કરેલું પાણી કાચની બોટલમાં પૂરું પાડવામાં આવશે જે બોટલ પાણી પીને પરત આપવાની રહેશે. કાચની બોટલમાં જે પાણી આપવામાં આવશે જેમાં સિઝન પ્રમાણે હર્બલ વોટર ભરવામાં આવશે- આ હર્બલ વોટરમાં ચોમાસાની સિઝનમાં તુલસી ફ્લેવરનું પાણી, ફુદીનો અને વરિયાળીનું ઠંડું પાણી ઉનાળા માટે તૈયાર કરાશે જયારે શિયાળામાં આદુના રસવાળું પાણી અપાશે.

અલગ ફ્લેવરના તૈયાર કરાયેલા પાણીને 'એકતા પાણી'નામ આપવામાં આવશે તેવું ફોરેસ્ટ, એનવાયરમેન્ટ એન્ડ કલાઈમેટ ચેન્જના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ડો. રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું. નર્મદાના ડેપ્યુટી કન્ઝર્વેટિવ ઓફ ફોરેસ્ટના પ્રતિક પંડ્યાએ જણાવ્યું કે, આ પાણી તૈયાર કરવા માટેનું કામ કેવડિયાની એકતા નર્સરીને સોંપાશે જે વડોદરાના સૃષ્ટી લાઈફસાયન્સ સાથે એકતા મહિલા મંડળ ટ્રસ્ટ મળીને તૈયાર કરશે. પ્રતિક પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે અહીં પ્લાન્ટમાં ગ્લાસ બોટલની કામગીરી સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવશે. જેના માટે ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૫ લાખના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિકારીએ જણાવ્યું કે, 'અહીં (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓ એક દિવસ દરમિયાન ૨ લીટર પાણી પીએ છે, જેના લીધે અહીં એક મહિનામાં ૪.૭૨ લાખ બોટલનો ઉપયોગ થાય છે. જો એક બોટલનું પ્લાસ્ટિક ૨૨ ગ્રામ ગણીએ તો ૪.૭૨ લાખ પ્લાસ્ટિક બોટલનો કચરો ૧૦.૩૮૪ ટન થાય.'

હાલ અહીં કાચની બોટલના પ્લાન્ટમાં દિવસ દરમિયાન ૩,૦૦૦ બોટલ એક દિવસમાં તૈયાર કરાશે આ પ્લાન્ટ પ્રોડકશનને ટૂંક સમયમાં દિવસની ૧૪,૦૦૦ બોટલ તૈયાર કરવાની ક્ષમતાવાળું બનાવશે.

સૃષ્ટી લાઈફસાયન્સના ફાઉન્ડર પ્રતિક પટેલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, 'ખરીદારો (કાચની) બોટલ પરત કરશે તો તેમને તેનું વળતર આપવામાં આવશે અથવા તેઓ તેને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંસ્મરણ તરીકે પોતાના દ્યરે પણ લઈ જઈ શકશે. આ પ્રયાસથી અમે કાર્બન ફૂટપ્રિન્ટ દ્યટાડવા અને માણસો માટે માઈક્રો-પ્લાસ્ટિકનું જોખમ દ્યટાડવા ઈચ્છીએ છીએ.'

(4:06 pm IST)