Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

પ્રજાને રડાવ્યા બાદ ડુંગળી હવે ખેડૂતોને રડાવે છે : આવકો વધતા સતત ભાવો તૂટે છે

રાજકોટ તા. ૧૨ : મહિના દિ' પૂર્વે સો થી સવાસો રૂપિયે કિલો વેચાતી ડુંગળીના બમ્પર ઉત્પાદનના પગલે ભાવ સતત તૂટી રહ્યા છે. અગાઉ પ્રજાને ઉંચા ભાવને કારણે રડાવનાર ડુંગળી હવે નીચા ભાવના કારણે ખેડૂતોને રડાવી રહી છે.

ચોમાસામાં કમોસમી વરસાદને પગલે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થતાં ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા હતા. એક તબક્કે ડુંગળીના ૧ કિલોના ભાવ ૧૦૦થી સવાસો પહોંચી ગયા હતા. ડુંગળીના ભાવો આસમાને પહોંચતા ખેડૂતો ડુંગળીનું મોટાપાયે વાવેતર કર્યું હતું. ડુંગળીના નવા વાવેતરની આવકો શરૂ થતાં જ ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં હાલમાં ડુંગળી હોલસેલમાં ૧૫ થી ૨૦ રૂપિયા કિલો વેચાય છે. જે છુટક બજારમાં પહોંચતા ૩૦ થી ૪૦ રૂપિયા થઇ જાય છે. હાલમાં ગુજરાતમાં દૈનિક ૨૫૦૦ ટન ડુંગળીની આવક થઇ રહી છે. રાજકોટ યાર્ડમાં ડુંગળી એક મણના ભાવ ૧૫૧ થી ૩૮૦ રૂપિયા બોલાયા હતા. આગામી દિવસોમાં હજુ પણ ડુંગળીના ભાવ ઘટે તેવી શકયતા છે.  ગુજરાતમાં ગત વર્ષે ૨૮૬૪૭ હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે ભાવ ઉંચકાતા ખેડૂતોએ ડુંગળીનું મોટાપાયે વાવેતર કરતા વાવેતરનો આંકડો ૪૨૩૪૩ હેકટરે પહોંચ્યો હતો. પોણા બે ગણા થયેલા વાવેતરના બમ્પર ઉત્પાદન હવે બજારમાં ઠલવાતા ડુંગળીના ભાવ સતત તૂટી રહ્યા છે. ડુંગળીના ભાવો તૂટતા ખેડૂતોને સ્થિતિ કફોડી બની ગઇ છે. ખેડૂતોને યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે.

(1:07 pm IST)