Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

નિકોલમાં લગ્ન પ્રસંગમાં ૭ લાખ રૂપિયાની ચોરી કરાઈ

લગ્નની સીઝનમાં ટાબરિયા ગેંગ ફરી સક્રિયઃ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર : નિકોલ પોલીસે ઘટના અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ,તા. ૧૨: લગ્ન સીઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મધ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સક્રિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. નિકોલના રસરાજ પાર્ટીપ્લોટમાં ચાલતા લગ્ન પ્રંસગમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ટાબરિયાં ગેંગે કન્યાદાન સમયે સાત લાખ રૂપિયાના દાગીના ચોરી હાથ સાફ કર્યો હતો.  બાપુનગર વિસ્તારમાં આવેલ ન્યુ અરવિંદ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટાબરિયા ગેંગ વિરુદ્ધ સાત લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, દિનેશભાઇ બાપુનગરમાં આવેલ વસ્ત્ર ભંડારમાં નોકરી કરીને તેમનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઇ પત્ની અરુણાબહેન, પુત્રી ધારા અને પારુલ અને પુત્ર રવિ સાથે રહે છે. બે દિવસ પહેલાં દિનેશભાઇની મોટી પુત્રી ધારાનાં લગ્ન નિકોલ વિસ્તારમાં આવેલ રસરાજ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યાં હતાં. લગ્નમાં જાન ચાંદખેડાથી આવી હતી અને સાંજના ચાર વાગ્યાથી લગ્નની વિધિ શરૂ થઇ હતી. લગ્નની ચોરીમાં પરિવારના તમામ સભ્યો હાજર હતા ત્યારે ધારાનાં લગ્નમાં ભેટ સોગાદ તરીકે આપવામાં આવેલા સોનાના દાગીના એક કપડાની થેલીમાં હતા. રાત્રે આઠ વાગ્યાની આસપાસ કન્યાદાનની વિધિ ચાલતી હતી ત્યારે દિનેશભાઇ અને અરુણાબહેન ચોરીમાં હાજર હતા ત્યારે એક દસ થી બાર વર્ષનો કિશોર મંડપની ચોરી પાસે આવીને સોનાના દાગીના ભરેલી થેલી લઇને જતો રહ્યો હતો. દિનેશભાઇની નજર પડતાં દાગીનાથી ભરેલી થેલી ગાયબ હતી. દિનેશભાઇની નજર કિશોર પર પડતાં તેના હાથમાં દાગીના ભરેલી બેગ હતી. દિનેશભાઇએ એકાએક બુમાબુમ કરી હતી જેથી સગાં સબંધીઓ તેની પાછળ દોડ્યા હતા. જોકે, તે લોકોને થાપ આપીને નાસી છુટ્યો હતો. થેલામાં ૪.૮૦ લાખ રૂપિયાનો ૧૬ તોલાનો સોનાનો હાર, બે તોલાના વજનની ૬૦ હજાર રૂપિયાની સોનાની લકી, દોઢ તોલાની ત્રણ સોનાની વીંટી, તેમજ ૩૦ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી, ૧૫ હજાર રૂપિયાનું સોનાનું પેંડલ સહિત કુલ સાત લાખ રૂપિયાના દાગીના હતા, જેની ચોરી કરી ટાબરિયો પલાયન થઇ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, વર અને કન્યા પક્ષના લોકો દોડતા થઇ ગયા હતા. નિકોલ પોલીસે ટાબરિયાં ગેંગ સુધી પહોંચવા માટે પહેલાં લગ્ન પ્રસંગમાં વીડિયો શૂટિંગ કરવા માટે આવેલા ફોટોગ્રાફર પાસેથી લગ્નનો વીડિયો લીધો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક ૧૦ થી ૧૨ વર્ષનો કિશોર કન્યાદાન સમયે લગ્નની ચોરીમાં આવે છે અને ગણતરીની સેકન્ડમાં દાગીના ભરેલો થેલો લઇને જતો રહે છે. પોલીસે આ વિસ્તારના ફુટેજ પણ ચકાસ્યા છે.

(10:14 pm IST)
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST