Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સ્વાઇન ફલુને રોકવા સરકાર અસરકારક પગલાં લે : કોર્ટ

નાગરિકોનું આરોગ્ય પ્રાથમિકતા હોવી જોઇએઃ સ્વાઇન ફલુ મામલામાં હાઇકોર્ટે સરકાર તેમજ કોર્પોરેશન સહિતના સત્તાધીશોને જરૂરી પગલાં ભરવા નિર્દેશો કર્યા

અમદાવાદ,તા.૧૨: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વકરી રહેલી સ્વાઇન ફલુની ગંભીર અને ચિંતાજનક સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટે આજે ગંભીર નોંધ લેવાની સાથે રાજયમાં સ્વાઇન ફલુને અટકાવવા માટેના અસરકારક અને પરિણામલક્ષી પગલાં ભરવા નિર્દેશ કર્યા હતા. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર માટે નાગરિકોનું આરોગ્ય જ પ્રાથમિકતા હોવી જોઇએ. કેસની ગંભીરતાને ધ્યાને લઇ જરૂરી પગલાં ભરી બે દિવસમાં પ્રગતિ અહેવાલ સાથે જરૂરી જવાબ રજૂ કરવા પણ હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો. વધુમાં હાઇકોર્ટે રાજયમાં જે જિલ્લાઓમાં મેડિકલ સુવિધા, લેબ સહિતની બાબતોનો અભાવ છે તે વિસ્તારોમાં જરૂરી સુવિધા તાકીદે ઉભી કરવા અને સ્વાઇન ફુલના દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર અને સેવા પૂરી પાડવા સહિતના નિર્દેશ રાજય સરકાર સહિતના સત્તાધીશોને કર્યા હતા. રાજયના ૨૩ જિલ્લામાં સ્વાઇન ફલુને લઇ આઇસોલેશન વોર્ડ ઉભા કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. દરેક જિલ્લાના હેડકવાર્ટર્સમાં જરૂરી સ્ટાફ અને સુવિધા પણ તૈનાત કરવા હાઇકોર્ટે સરકારપક્ષને તાકીદ કરી હતી. ચેપી રોગ માટે સ્પેશ્યલ એકટ બન્યો છે તેની અમલવારી માટે પણ હાઇકોર્ટે રાજય સરકારને સૂચન કર્યું હતું. બે દિવસમાં જવાબ રજૂ કરવા સરકારને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સમગ્ર કેસમાં ખાસ કરીને ગ્રામીણ અને આંતિરયાળ વિસ્તારના લોકોના આરોગ્ય પરત્વે ચિંતા વ્યકત કરી હતી અને ત્યાં અસરકારક માળખું ગોઠવવા અને સ્વાઇન ફલુના દર્દીઓ માટે ત્વરિત અને ઝડપી સેવા-સુવિધા ઉપલબ્ધ બનાવવા તાકીદ કરી હતી. દરમ્યાન આ કેસમાં સરકારે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, સરકારી તંત્ર દ્વારા સ્વાઇન ફુલને નાથવાના જરૂરી તમામ પગલાં લેવાઇ રહ્યા છે, દિલ્હીથી નિષ્ણાતોની ટીમ પણ બોલાવી લેવાઇ છે. નિયમિત રીતે સમગ્ર પરિસ્થિતિનું મોનીટરીંગ અને નીરીક્ષણ પણ થઇ રહ્યું છે. સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં આઇસોલેશન વોર્ડ, પરીક્ષણ માટે લેબ સહિતની વ્યવસ્થાઓ પણ અમલમાં મૂકાઇ છે. જો કે, હાઇકોર્ટે સરકારના આ બચાવ છતાં પૂર્ણ સંતોષ વ્યકત કર્યો ન હતો અને ઉપરમુજબ મહત્વના નિર્દેશો જારી સોમવાર સુધીમાં પ્રગતિ અહેવાલ સાથેનો જવાબ રજૂ કરવા રાજય સરકારને આદેશ કર્યો હતો. રાજયમાં વકરી રહેલી સ્વાઇન ફુલની સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકારી તંત્ર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓના સંકલનના અભાવે અને સરકારી હોસ્પિટલો તેમ જ દવાખાનાઓમાં યોગ્ય અને ત્વરિત સારવાર ઉપલબ્ધ નહી હોવાના કારણે સ્વાઇન ફલુના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેના લીધે સ્વાઇન ફલુથી મોતનો આંક પણ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં સ્વાઇન ફલુના દર્દીઓની સારવાર માટે પૂરતો સ્ટાફ કે તેના પરિક્ષણ માટે પૂરતી માત્રામાં લેબોરેટરી કે પરિક્ષણની વ્યવસ્થા જ નથી. સરકાર અને સત્તાવાળાઓની બેદરકારી અને ઉપેક્ષાને કારણે નિર્દોષ નાગરિકો સ્વાઇન ફલુના ભરડામાં છે.

(10:13 pm IST)