Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વણિકર ભવનના કબજાના વિવાદમાં હાઇકોર્ટમાં રિટ

ભવનનો કબ્જો પુનઃ પ્રસ્થાપિત કરી આપવા દાદ : રાજય સરકાર, રાજયના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સત્તાધીશોને નોટિસ

અમદાવાદ,તા.૧૨ : પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવનના કબ્જાના મુદ્દે  વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)  દ્વારા ગેરકાયદે રીતે ભવનના પચાવી પડાયેલા કબ્જાના વિવાદમાં આખરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(એએચપી) તરફથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ રાજય સરકાર, રાજયના પોલીસ વડા, ગૃહવિભાગ, શહેર પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓ વિરૂધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે. એએચપી તરફથી કરાયેલી પટિશનને લઇને હવે આ સમગ્ર વિવાદમાં વધુ એક કાનૂની પ્રકરણ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મહત્વના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, વર્ષોથી પાલડીના વણિકર ભવન ટ્રસ્ટનો કબ્જો તેમની પાસે છે અને આ અંગે ખુદ નીચલી કોર્ટના હુકમો અને કોર્ટ કમીશનની પ્રોસીડિંગ્સ પણ થયેલી છે તેમછતાં તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો દ્વારા રાજકીય ઇશારે ગેરકાયદે રીતે તેમના અધિકારક્ષેત્રવાળા ભવનમાં ગેરકાયદે રીતે પોલીસની મદદથી પ્રવેશી કબ્જો લઇ લેવાયો હતો. એટલું જ નહી, તેઓની વિરૂધ્ધના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા હતા. વીએચપીના કાર્યકરોએ પોલીસની મદદથી ડો.પ્રવીણ તોગડિયાનો સામાન પણ બહાર ફેંકી દીધો હતો અને એએચપીના કાર્યકરોને ધક્કા મારી હાંકી કઢાયા હતા. આ સમગ્ર મામલામાં પોલીસ પણ નિષ્પક્ષ કાર્યવાહી કરવાના બદલે રાજકીય દબાણ હેઠળ સરકારના ઇશારે ભેદભાવભરી અને પક્ષપાતી કાર્યવાહી કરી રહી છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટે તેઓને વણિકર ભવનનો કબ્જો પુનઃ અપાવવા દાદ માંગવામાં આવી હતી. કેસની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાલડીના વણિકર ભવનના કબ્જાને લઇ વીએચપી-એએચપીના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે બંને સંસ્થાના કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ ગરમાયું હતું. વણિકર ભવનના કબ્જાને લઇ વીએચપી અને એએચપીના કાર્યકરો અને આગેવાનો પોતપોતાના દાવા કર્યા હતા. અંતે આજે એએચપી તરફથી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દેવાઇ હતી.

(8:26 pm IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST