Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અલ્પેશને છોડીને ગયેલા ચેતન ઠાકોરનો ભાજપ સામે મોરચો

બાળકીના દુષ્કર્મ કેસમાં ન્યાય નહી મળતાં આક્રોશ : ચેતન ઠાકોર આજે પીડિત બાળકીના માતા-પિતાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિધિવત આવેદનપત્ર આપશે

અમદાવાદ,તા.૧૨ : સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામે માત્ર ૧૪ માસની બાળકી પર પરપ્રાંતીય શખ્સો દ્વારા દુષ્કર્મના ચકચારભર્યા કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીત્યો હોવાછતાં રાજય સરકાર દ્વારા કોઇ જ નક્કર કાર્યવાહી નહી થતાં કે આ કેસમાં પીડિત પરિવારને ન્યાય નહી મળતાં હવે અલ્પેશ ઠાકોરને છોડી ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે હવે ભાજપ સામે જ ખુલ્લો મોરચો માંડયો છે. રેશ્મા પટેલ બાદ વધુ એક નેતાએ ભાજપ સરકાર સામે રણશિંગુ ફુંકતા ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. ભાજપના યુવા નેતા ચેતન ઠાકોરે આજે પીડિત પરિવારના ન્યાય માટે સાબરકાંઠા જિલ્લા કલેકટરને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને હવે આવતીકાલે બુધવારે ચેતન ઠાકોર પીડિત પરિવાર સહિતના લોકોને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણને મળવા જશે અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગણી સાથે તેમને પણ આવેદનપત્ર સુપ્રત કરશે. ઢુંઢર કેસમાં રાજય સરકારના વચનો ઠાલા સાબિત થતાં ભાજપ સરકાર પર ચાબખા વરસાવતાં યુવા નેતા ચેતન ઠાકોરે જણાવ્યું હતું કે, ઢુંઢર દુષ્કર્મ પ્રકરણમાં ૧૪ માસની બાળકી પરત્વે ભાજપ સરકાર ભારે અસંવેદનશીલ રહી હોવાનું પ્રસ્થાપિત થયું છે. બનાવ બાદ રાજયભરમાં મચેલા ઉહાપોહ અને વિવાદ બાદ સમગ્ર મામલાને થાળે પાડવા સરકાર દ્વારા મોટા ઉપાડે આરોપીઓને ફાંસીની સજા કરાવવા, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા સહિતના મોટા માટા બણગાં ફુંકવામાં આવ્યા હતા પરંતુ તેને લઇને કંઇ પ્રગતિશીલ કે પરિણામલક્ષી કામગીરી થઇ હોય તેવું દેખાયું નથી. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સાથ છોડીને ભાજપનો કેસરિયો પહેરનારા ચેતન ઠાકોરે આક્રોશ વ્યકત કર્યો હતો કે, હું સમાજ માટે ભાજપમાં જોડાયો હતો પરંતુ વાસ્તવિકતા એ છે કે, પીડિત પરિવારોને ન્યાય મળતો નથી. ચેતન ઠાકોરના નેજા હેઠળ પીડિત પરિવાર તરફથી આજે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતુ, જયારે હવે આવતીકાલે બુધવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળી ચેતન ઠાકોર પીડિત પરિવારને સાથે રાખી આવેદનપત્ર સુપ્રત કરવા જશે, જેને લઇ સીએમ ઓફિસ અને નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૮-૯-૨૦૧૮ના રોજ સાબરકાંઠાના ઢુંઢર ગામે બિહારના પરપ્રાંતીય શખ્સ દ્વારા માત્ર ૧૪ માસની બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવાઇ હતી, જેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીયો પર સંખ્યાબંધ હુમલાઓ થયા હતા. રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થતાં સરકારે મોટી જાહેરાતો કરી હતી.

(8:27 pm IST)