Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના

સુરતના ખટોદરાના વૃદ્ધની બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવાની અરજી મંજુરઃ ઐતિહાસિક ચૂકાદો

સુરત સિટી પ્રાંત પ્રજ્ઞેશ જાનીએ દાખલો બેસાડયોઃ વૃદ્ધ જયંતિ ભગતના નામે પૂનઃ દસ્તાવેજ થશે

રાજકોટ તા.૧૨: વૃદ્ધાવસ્થામાં સહારો બનશે તેવી આશાએ સુરતના એક વૃદ્ધએ દત્તક દોહિત્રને મિલકતનો દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ દોહિત્રોએ પોતાની ફરજ ન બજાવતા દત્તક દોહિત્રને કરી આપેલો બક્ષીસ દસ્તાવે રદ્દ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સિટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. દત્તક પુત્ર દ્વારા સારસંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કેસની વિગતો એવી છે કે શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ સોમાકાકાની વાડી, સવેરા કોમ્પલેકસ શેરી ખાતે રહેતા જયંતીભાઇ ડાહ્યાભાઇ ભગતે ગઇ તા. ૫-૯-૨૦૧૮ના રોજ મેઇન્ટેનન્સ ટ્રીબ્યુનલ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત-સુરતની કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીમાં જણાવ્યું હતુ઼ કે તેમણે તેમના દોહિત્ર અજય જગદીશચંદ્ર ડંડાવાલા (રહે. માણિયાશેરીનો ખાંચો, મહિધરપુરા)ને સાર સંભાળ રાખવા માટે દત્તક લીધો હતો. જેને જયંતીભાઇએ ૧૬૬ ચોરસ મીટરની મિલ્કત બક્ષીસ દસ્તાવેજથી આપી દીધી હતી. આ બક્ષીસ દસ્તાવેજ કરી આપ્યા પછી અજય સાર સંભાળ રાખતો ન હતો. પરિણામે જયંતીભાઇ તેમના પુત્ર સાથે રહેવા ચાલી ગયા હતા.

સાર સંભાળ ન રાખનારા અજયને પોતે કરી આપેલો બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવા કરેલી અરજીમાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કન્સીલેશન અધિકારીએ તા. ૨૩-૧૦-૨૦૧૮ના રોજ પોતાનો અહેવાલ આપ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી પી.આર. જાનીએ ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એકટ ૨૦૦૭ની કલમ ૨૩ અન્વયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૩-૩-૨૦૧૭ના પરિપત્રથી મળેલી સત્તાની રૂએ  આ બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. પરિણામે હવે આ મિલ્કતનો દસ્તાવેજ પુનઃ જયંતીભાઇના નામે થઇ જશે.(૧.૧૩)

(1:37 pm IST)