Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સરકારે વીજ બીલ માફીની જાહેરાત 'વીજળીક' ઝડપે કરી, પરિપત્ર કરવામાં 'ફયુઝ' ઉડી ગયા!

પરીપત્ર તાત્કાલીક કરવામાં આવશે, જરૂર પડયે અમલની મુદત વધારાશેઃ કુંવરજીભાઇ

રાજકોટ, તા., ૧રઃ રાજય સરકારે જસદણની ચુંટણી વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ચડત બીલબીલના કુલ રૂ. ૬પ૦ કરોડ માફ કરવાની જાહેરાત કરી તેનો લાભ લેવા માટે ર૮ ફેબ્રુઆરીની મુદત જાહેર કરેલ પરંતુ હજુ સુધી તે બાબતે વિધિવત પરીપત્ર ન થતા સરકારી જાહેરાત કાગળ પર રહી ગઇ છે.  આ અંગે અગાઉ વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખેલ.  તેમજ હાર્દિક પટેલે પણ સરકારને ઢંઢોળી છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૬.રર લાખ બંધ પડેલ વિજ મીટરના અરજદારો રૂ.પ૦૦ ભરે તો દંડ અને વ્યાજની રકમ માફ કરી માત્ર રૂ. પ૦૦ માં કનેકશન ફરી શરૂ કરી દેવાનું ડિસેમ્બરમાં સરકારે જાહેર કર્યુ હતું. કોઇ પણ કારણસર આ યોજનાનો અમલ હજુ સુધી થઇ શકયો નથી.

આ અંગે કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાને પુછતા તેમણે જણાવેલ કે પરીપત્ર  તાત્કાલીક કરવામાં આવશે. તા.૩૧ જાન્યુઆરી-ર૦૧૯ સુધીના સંબંધીત મીટર ધારકોને તેનો લાભ મળી શકશે. જરૂર પડયે યોજનામાં જોડાવાની મુદત વધારવામાં આવશે.(૪.૨)

(11:22 am IST)