Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સુરતમાં નેશનલ જિમનાસ્ટીક ખેલાડી પુજા શાહ સંયમનો માર્ગ અપનાવશેઃ વેલેન્ટાઇન-ડેના દિવસે દિક્ષા સમારોહ

સુરત : સુરતમાં હાલ દીક્ષા લેનારાઓની લાંબી લાઈન લાગી છે. રોજ અનેક લોકો દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી રહ્યા છે. જ્યારે આખી દુનિયાના 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવી રહી હશે, ત્યારે સુરતમાં એકસાથે 8 યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈને સંયમનો માર્ગ અપનાવશે. તેમાંથી એક છે પૂજા. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.

સુરતમાં દીક્ષાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં કરોડપતિ પરિવારના સંતાનો, જેઓ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને છોડીને સંયમના માર્ગે જવા નીકળી પડ્યા છે. સુરતમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ 8 લોકો દીક્ષા લેવાના છે. દીક્ષા લેનારાઓમાં યુવતીઓની સંખ્યા વધુ છે. મોટાભાગની યુવતીઓ કરોડપતિ પરિવારની છે. આ 8માંથી એક છે પૂજા શાહ નામની નેશનલ જિમનાસ્ટીક પ્લેયર. પૂજા સુરતના નાનપુરા વિસ્તારના કૈલાશ નગરમાં રહે છે. પૂજાના પિતા કિરીટભાઈ હીરા દલાલીનું કામ કરે છે. થોડા સમય પહેલા પૂજા જૈન ઉપાશ્રયમાં ગઈ હતી, જ્યાં જૈન ગુરુઓની સાથી રહી અને તેમનું જીવન જોઈને પૂજાએ પણ દીક્ષા લેવાનું મન બનાવ્યું હતું. શરૂઆતમાં તેણે આ વાત જ્યારે પોતાના પરિવારને જણાવી તો પરિવારે તેની પરમિશન ન આપી. જોકે, હવે આ જ પરિવાર દીકરીને દીક્ષા લેવાની પરમિશન આપીને બહુ જ ખુશ છે.

પૂજા એમકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેનું માનવું છે કે, આ જીવનમાં માત્ર દર્દ જ છે. સાચો આનંદ તેણે આ મોહમાયા માટે છોડી દીધો છે અને તે સંયમના રસ્તે જ શક્ય છે.

પૂજાનો પરિવાર નાનકડો પરિવાર છે. તેથી તેની ઈચ્છા હતી કે, તેના લગ્ન મોટા પરિવારમાં થાય. જ્યારે પૂજાએ તેના માતાપિતાને દીક્ષાની વાત કરી તો, તેમણે સૌથી પહેલા પોતાના મનની વાત કહી, પણ બાદમાં તેઓ માની ગયા હતા. મહારાજ શ્રી ગુન રત્નેશ્વર આ આઠેય યુવતીઓને દીક્ષા આપશે અને 14 ફેબ્રુઆરીએ આ યુવતીઓ સંયમના માર્ગે નીકળી પડશે.

(5:21 pm IST)