Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અલારસા-આંકલાવ રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

અલારસા:અલારસા-આંકલાવ રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અલારસા ગામની ચીભડીયા સીમમાં રહેતા અંકિતભાઈના પિતા પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ. વ. ૫૫)ગઈકાલે સાંજના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એએચ-૯૩૫૪નું લઈને આંકલાવ શાકભાજી લેવા જાઉ છું તેમ જણાવીને ઘરેથી નીકળ્યા હતા.
સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેઓ અલારસા-આંકલાવ રોડ ઉપર આવેલા ગરનાળા પાસેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને કપાળના ભાગે, જમણી આંખ ઉપર ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા તપાસીને પરસોત્તમભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ બોરસદ શહેર પોલીસને થતાં પોલીસ પણ આવી ચઢી હતી અને લાશને પીએમ માટે મોકલી આપી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:26 pm IST)