Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

હાય.. હાય.. કોરોનાકાળની વધુ પડતી સાવચેતી પણ જોખમી બનીઃ લોકો બની રહ્યા છે નવી બિમારીનો શિકાર

ગુજરાતમાં ‘ઓબ્‍સેવિવ કમ્‍પલ્‍સિવ ડિસઓર્ડર'માં નોંધપાત્ર વધારો

રાજકોટ/સુરત/વડોદરા, તા.૧૨: રાજકોટમાં રહેતા પટેલ પરિવારના પાંચેય સભ્‍યો માટે કાળા મરી, તજ, હળદર, આદુ અને તુલસીમાંથી બનતો કાવો દિવસમાં ત્રણ વખતનું પીણું બની ગયું હતું. કોવિડ-૧૯ દરમિયાન રોગપ્રતિકારક શક્‍તિ જાળવવા અને સુરક્ષિત રહેવા માટે દેશી કાવો શ્રેષ્ઠ વસ્‍તુ છે. પરંતુ વધારે માત્રામાં ઉકળતો કાવો પીવાના કારણે પરિવારના કેટલાક સભ્‍યોને એસિડિટી અને અપચાની તકલીફ થઈ ગઈ હતી.

આ જ રીતે, તણાવ તેમજ ડરના કારણે વડોદરાના હેમાંશી શાહ દર ૩૦ મિનિટે પોતાના હાથ ધોતા હતા. તેઓ પોતાના ૩બીએચકે એપાર્ટમેન્‍ટના બારી-બારણા સરખા બંધ થયા છે કે નહીં તેવું પણ વારંવાર ચેક કરતા રહેતા હતા. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

કોરોના દરમિયાન વધારે સાવચેતીના કારણે સમગ્ર ગુજરાતમાં ઓબ્‍સેસિવ કમ્‍પલ્‍સિવ ડિસઓર્ડરમાં (OCD)નોંધપાત્ર વધારો થયો છે. OCD એવી માનસિક સ્‍થિતિ છે, જેમાં વ્‍યક્‍તિ નિયમિત ક્રિયાઓને વારંવાર કરે છે જેના કારણે સામાન્‍ય કામમાં તેઓ નબળા પડે છે.

હકીકતમાં, એકલા રાજકોટમાં ૬૮ ટકા લોકો સાયકોલોજિકલ કંડિશનના શિકાર બન્‍યા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજિકલ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ૪૦૫ લોકોની સ્‍ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. સર્વે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ડિમ્‍પલ રામાણી અને તેમની વિદ્યાર્થિની ક્રિષ્‍ના કાંબરીયા દ્વારા ફોન કોલ્‍સ દ્વારા કરવામાં આવ્‍યો હતો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લોકડાઉનની શરુઆતમાં શરુ કરેલી હેલ્‍પલાઈન પર કરવામાં આવ્‍યો હતો.

‘હેલ્‍પલાઇન પર જે રીતે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા, તે OCD દર્શાવતું હતું. તેથી અમે સર્વે કરવાનો નિર્ણય લીધો', તેમ ડિપાર્ટમેન્‍ટના હેડ યોગેશ જોગસણે કહ્યું હતું. સૌથી વધુ સંખ્‍યા સગીરોની (૪૩ ટકા) હતી જયારે ૨૩ ટકા મહિલાઓ અસરગ્રસ્‍ત હતી.

અમદાવાદના સાઈકિયાટ્રિક ડોક્‍ટર નેહલ શાહે જણાવ્‍યું હતું કે, કોરોનાના હળવા લક્ષણોવાળા અથવા તેમની સારવાર હેઠળના લોકોમાં OCDના સ્‍થિતિ વધુ વણસી છે. અમદાવાદમાં રહેતી ૧૯ વર્ષની છોકરી કોઈને તેની પાસે આવવા દેતી નહોતી, તે વારંવાર પરિવારના સભ્‍યો સાથે ઝદ્યડતી હતી અને તેમને સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે દબાણ કરતી હતી. તે તેનો રુમ પણ શક્‍ય એટલી વખત કેમિકલથી સાફ કરતી હતી. ‘આખરે તેની સારવાર કરવી પડી', તેમ ડો. શાહે કહ્યું.

એમ.એસ. યુનિવર્સિટીના સાયકોલોજિકલ ડિપાર્ટમેન્‍ટના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ગિતાંજલી રોયે કહ્યું કે, ‘સામાન્‍ય રીતે, OCD ભયથી બહાર હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે તીવ્રતા વધી છે. અમે લોકોને તેમના ઘરઘાટીઓને અમુક પ્રકારના માસ્‍ક પહેરવા અને ખાસ બ્રાન્‍ડના સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે દબાણ કરતા જોયા છે'.

‘અગાઉ, હળવા OCD લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારની જરૂર નહોતી. પરંતુ મહામારી દરમિયાન, ઉગ્ર વર્તનના કારણે તેમને દવાઓ આપવી પડી', તેમ સુરતની SMIMER કોલેજ એન્‍ડ હોસ્‍પિટલના ડિપાર્ટમેન્‍ટ ઓફ સાયકોલોજીના હેડ ડો. પરાગ શાહે જણાવ્‍યું હતું.

 

(11:48 am IST)