Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ગુજરાત જુદા જુદા ક્ષેત્રોમાં અગ્રેસર બન્યું છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલન યોજાયુ : સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટેના પ્રયાસો કરીએ : ગુજરાત દેશના અન્ય રાજ્ય માટે રોલ મોડલ છે

 અમદાવાદ, તા.૧૨ : ગુજરાત સહિત દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા-લેઉવા મહાજ્ઞાતિના પાટીદાર પરિવારોમાં એકાત્મકતા વધે અને ભાતૃત્વ ભાવના પ્રબળ બને અને સમાજના અન્ય વર્ગોને પણ આ વિકાસગાથામાં સાથે લઇને ચાલીએ તેવી ઉમદા ભાવના સાથે આજરોજ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લેઉવા-કડવા પાટીદારોનું વિશાળ ભાવાત્મક મહાસંમેલન યોજાયુ હતુ. આ પ્રસંગે મહાસંમેલનના મુખ્ય ઉદ્ઘાટક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત ઘણાબધા ક્ષેત્રોમાં અગ્રેસર બન્યું છે અને તેના કારણે તે દેશમાં પણ અન્ય રાજયો માટે રોલમોડેલ બની રહ્યું છે. ગુજરાતના વિકાસના મૂળમાં પાટીદાર સમાજ અને સરદાર પટલે જેવા કર્મઠ અને સેવાભાવી પાટીદારોનો પણ સિંહફાળો રહ્યો છે. પાટીદારો એકતા અને સામાજિક સમરસતાના સંદેશ આગળ વધી રહ્યો છે અને સમાજના અન્ય છેવાડાના માનવીને પણ આ વિકાગાથામાં સામેલ કરવાની તેમની નેમ સરાહનીય છે.

             રાજય સરકાર પણ પાટીદાર સમાજના સેવાકીય કાર્યોમાં હંમેશા તેમની સાથે છે. આવો આપણે સૌ સાથે મળી સરદાર પટેલના સપનાના ભારતનું નિર્માણ કરીએ. સરદાર પટેલ પાટીદાર પુત્ર હોવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ આ ભાવાત્મક મહાસંમેલનના આયોજન બદલ પાટીદાર પરિવાર ટ્રસ્ટ અને તેના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. દરમ્યાન આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ ઘરનો અને સમાજનો જ પ્રસંગ હોઇ થોડા હળવા મૂડમાં જણાયા હતા અને તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, લેઉવા અને કડવા પાટાદીરો ભગવાન શ્રીરામના અંશ લવ અને કુશ જેવા સંતાનો છે, માટે પાટીદાર સમાજ એક છે. મને કડવા પાટીદાર હોવાનો ફાયદો થયો છે. હું કડક થઈ બોલું ત્યારે અમારા નેતાઓ બધું સંભાળી લે છે. કડવા પાટીદાર હોવાથી કડવું બોલવા માટે ટેવાયો છુ. કડવું બોલવા અંગે તેમણે કહ્યું કે, હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું. દવાઓ કડવી હોય પણ રોગ મુક્ત કરે છે. ક્યારેક મારુ બોલેલું સરકાર કે સમાજમાં કડવું લાગતું હોય છે. હું કડવું બોલું ત્યારે તેનું લાંબા ગાળે ફાયદો થતો હોય છે.

               તેમણે મુખ્યમંત્રીને લઇને પણ હળવી કોમેન્ટ કરી હતી કે, છેલ્લા એક અઠવાડિયામાં પાટીદારોના પાંચથી છ પ્રસંગો આવ્યા હોઇ મુખ્યમંત્રી પણ મને એમ કહેતા હતા કે, પાટીદારોના આટલા બધા ફંકશનોમાં હાજરી આપી જાણે હવે હું પણ પાટીદારમય બનવા માંડયો છુ...આ ટિપ્પણી સાંભળી સંમેલનમાં ઉપસ્થિત સૌકોઇ મજાકના મૂડમાં હસી પડયા હતા. તેમણે ઉમેર્યું કે, લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી, આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, ડો.જીતુભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ(પોચી) સહિતના અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

              મહાસંમેલનમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે કેળવણી ક્ષેત્રે નિરમા યુનિવર્સિટીના શ્રી કરસનભાઇ પટેલ, ઉદ્યોગ વેપાર ક્ષેત્રે ઝાયડસના શ્રી પંકજભાઇ પટેલ, સામાજિક ક્ષેત્રે ઉંઝા ઉમિયા માતા સંસ્થાનના શ્રી મણિભાઇ પટેલ, સહકારી ક્ષેત્રે સહકારી આગેવાન શ્રી વિઠ્ઠલભાઇ એમ.પટેલ, સાહિત્ય ક્ષેત્રે લેખક-પત્રકાર ગુણવંત શાહ, તબીબી ક્ષેત્રે પદ્મશ્રી ડો.તેજસ પટેલ, દિવ્યાંગ ક્ષેત્રે શ્રી મનુભાઇ સોમાભાઇ પટેલને પાટીદાર શિરોમણી એવોર્ડ આપીને તેઓનું વિશેષ સન્માન કરાયુ હતું. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલનું સંનિષ્ઠ સારસ્વત એવોર્ડથી સન્માન કરાયુ હતુ. પાટીદારોના આજના આ મહાસંમેલનમાં રાજયભરમાંથી ૨૫થી ૩૦ હજાર પાટીદારો ઉમટી પડયા હતા.

(9:24 pm IST)