Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ચેકપોસ્ટ બંધ કરતા બુટલેગરોને છુટોદોર :રાજપીપળા નજીકના વીરપોર પાસે વિદેશી દારૂ ભરેલી કાર રોડ નીચે ઉતરી પડતા દારૂની રેલમછેલ: લોકોએ દારૂની લૂંટ ચલાવી

અંકલેશ્વરથી રાજપીપળા તરફ દારૂ લઈ આવતી સ્વીફ્ટ કાર રોડ નીચે ઉતરી પડતા દારૂની બોટલો ફૂટી,બચેલી બોટલોની લોકો દ્વારા લૂંટ,નજીકનો એક યુવાન લૂંટેલી બોટલ સાથે ઝડપાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા નજીકના વિરપોર ગામના વળાંક પાસે રવિવારે એક કાર રોડ નીચે ઉતરી પડતા અંદર થી વિદેશી દારૂની બોટલો રોડ પર ફૂટતા દારૂની રેલમછેલ થઈ જેમાં બચેલી બોટલોની લોકોએ લૂંટ ચલાવી હતી.

         પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે વહેલી સવારે વિરપોર વળાંક પાસે સ્વીફ્ટ કાર નં.GJ 6 LB 9743 પુરપાટ જતી હોય રોડ નીચે ઉતરી પડતા કારને નુકસાન તો થયું પરંતુ કારમાંથી વિદેશી દારૂની બોટલો રોડ પર ઉછળી ટપોટપ ફૂટી જેમાં દારૂની રેલમછેલ થઈ એ સમયે કાર માં બેઠેલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવા છતાં નાસી છૂટયા પરંતુ સ્થળ પર બચેલી આખી બોટલો લેવા લોકોએ લૂંટ ચલાવી જેમાં જેને જે મળી એ લઈ ચાલ્યા ગયા પરંતુ પોલીસ આવ્યા બાદ અરુણ જયંતીભાઈ જોગી નામનો નજીક માં રહેતો યુવાન સ્થળ પરથી દારૂની બોટલ લઈ ગયો હતો તેને આમલેથા પોલીસે બોટલ સાથે ઝડપી લીધો હતો.

          આમલેથા પોલીસે હાલ દારૂની ૨૦ પેટી જેમાં ૨૪૦ નંગ બોટલ જેની કિંમત ૧.૨૨ લાખ રૂપિયા,સ્વીફ્ટ કારની કિંમત રૂપિયા૧.૭૫ લાખ અને દારૂ ભરેલી બોટલ સાથે પકડાયેલા વ્યક્તિ પાસેથી મળેલી બોટલની કિંમત ૫૨૦/- રૂપિયા મળી કુલ રૂ.૨,૯૭,૫૨૦ નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર કાર ચાલાક સાથે અન્ય કોણ કોણ હતું અને દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.જોકે સરકારે ચેકપોસ્ટ બંધ કરતા નર્મદા જીલ્લામાં બુટલેગરોને છુટોદોર મળ્યો હોય એમ સ્પષ્ટ લાગી રહ્યું હતું.

(7:48 pm IST)