Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

અમદાવાદના ઉસ્માનપુરમાં નિવૃત ડીવાયએસપીના ઘરમાં ચોર ચુસ્યો : પત્ની હાજર હોવા છતાં 72 હજારની ચોરી કરી: લાલજી સોલંકી ઝડપાયો

ડીવાયએસપીના ઘરમાં ઘૂસી 13 જ મિનિટમાં હાથ સાફ કર્યો

અમદાવાદ: ઉસમાનપુરમાં રહેતા એક નિવૃત્ત ડીવાયએસપીની સોસાયટીમાં એક ચોર ઘૂસ્યો હતો. નિવૃત્ત ડીવાયએસપી અને તેમના પત્ની હાજર હોવા છતાં ચોર મકાનમાં અંદર ઘૂસી ગયો અને અને 72 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સોસાયટીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ચોર ત્રણ ઘરમા ચાર ચાર મિનિટ સુધી ફર્યો હતો અને બાદમાં ડીવાયએસપીના ઘરમાં ઘૂસી 13 જ મિનિટમાં હાથ સાફ કર્યો હતો. વાડજ પોલીસે આ ચોરની ધરપકડ કરી પુછપરછ કરતા તે અનાથ આશ્રમમાંથી દાન લેવા આવ્યો હોવાનું કહી લોકોના ઘરમાં ઘૂસ્યો હતો.


ઉસમાનપુરામાં આવેલા વિદ્યાનગર સોસાયટીમાં રહેતા કિરણકુમાર મનુભાઈ રાઠોડ નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક છે. તેમના પત્ની કલ્પનાબહેન નિવૃત્ત પ્રિન્સિપાલ છે. તેમનો પુત્ર ધંધાના કામથી મુંબઇ રહેતો હોય છે. જ્યારે પુત્રવધુ એસજી હાઇવે પર નોકરી કરે છે. નાની દીકરી ડોકટર છે અને સાળી પણ તેમની સાથે રહી વકીલાત કરે છે. ગત તા. 8મી ના રોજ કિરણકુમાર તેમના પત્ની ઘરે હાજર હતા.

કિરણકુમાર કામ હોવાથી ઉપરના માળે બેડરૂમમાં ગયા હતા જ્યારે પત્નિ નીચે રસોડામાં કામ કરતા હતા. ઉપરના માળે બેડરૂમમાં જતા જ તમામ સમાન વેર વિખેર પડ્યો હતો. અને દાગીના અને રોકડા ગાયબ હતા. જેથી કિરણકુમારે સોસાયટીમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં કિરણકુમારે તપાસ કરતા તેમના ઘરનો દરવાજો અને ગેટ ખુલ્લા હતાં. બાદમાં સોસાયટીમાં તપાસ કરી તો 14 જેટલા સીસીટીવી જોયા હતા. આ સીસીટીવીમાં મુખ્ય દરવાજેથી એક વ્યક્તિ આવે છે અને ત્રણ મકાનમાં જાય તેવું દેખાયું હતું. ચાર ચાર મિનિટ સુધી આ ઘરમાં રોકાઈને તે નીકળી જતો હતો. બાદમાં આ શખસ તેમના ઘરમાં આવે છે અને 13 મિનિટ બાદ જતો દેખાય છે

પાડોશી સાથે વાત કરી તો માલુમ થયું કે આ શખશ તેમના ઘરે પણ આવ્યો હતો અને પોતે અનાથ આશ્રમમાંથી દાન લેવા આવ્યો હોવાનું જણાવી ચાર મિનિટમાં રફુચક્કર થઈ ગયો હતો. કિરણકુમારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી લાલજી સોલંકીની ધરપકડ કરી હતી.

નિવૃત્ત ડીવાયએસપીના પત્નીનું પર્સ છાતીમાં લપેટીને નીકળી ગયો હતો પોલીસે જણાવ્યું કે નિવૃત્ત ડીવાયએસપી કિરણકુમારના પત્નીનું લાલ પર્સ પણ આ લાલજીએ ચોરી કર્યું હતું. જેમાં 52 હજાર રોકડા હતા. સીસીટીવીમાં જોયા પ્રમાણે તે લાલ પર્સ છાતીમાં લપેટીને ભાગતો હોવાનું દેખાયું હતું. બાતમીના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

(11:30 pm IST)