Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે

૧૭મીએ મોદી ચીજવસ્તુ ખરીદી ઉદ્ઘાટન કરશે : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં પ્રથમવાર વડાપ્રધાન મોદી રાઉન્ડ ટેબલ બેઠક યોજવા માટે સુસજ્જ

અમદાવાદ,તા. ૧૨ : ગુજરાત અને દેશભરમાં સૌપ્રથમવાર અમદાવાદમાં વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ તા.૧૭ જાન્યુઆરીથી બાર દિવસ માટે યોજાઈ રહ્યો છે. ઓર્ગેનાઈઝિંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડેક્સ્ટ-બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તા.૧૭મીએ સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વડા પ્રધાન કોઈ ચીજ-વસ્તુની ખરીદી કરીને ઉદ્ઘાટન કરે તેમ હોઇ વેપારી આલમમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.  ઉપરાંત વડાપ્રધાન જ્યારે તા.૧૭ જાન્યુઆરીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા આવે ત્યારે પાંચ કિલોમીટરથી વધુ લાંબો ગુજરાતની અસ્મિતા રજૂ કરતો ગરબો રજૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જો તેમ થશે તો તેને લઇને પણ વર્લ્ડ રેકોર્ડ બનશે. આ સિવાય પણ અન્ય રેકોર્ડ બનવાની સંભાવના છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે ચાર કલાકે શહેરમાં નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ટોકન પરચેઝ સાથે ઉદ્ઘાટન કરશે. તા.૧૮ થી ર૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં સૌપ્રથમવાર વડાપ્રધાન મોદી રાઉન્ડ ટેબલ બેઠક યોજશે. આ સમિટનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી જ કરશે.

 રાઉન્ડ ટેબલ બેઠકમાં તેઓ વિવિધ મુદ્દાઓ ઉપર અન્ય જુદા જુદા દેશોના વડાઓ સાથે સીધો સંવાદ કરશે અને વન-ટુ-વન બેઠકો પણ કરશે. ત્યારબાદ તેઓ સાથે ડિનર પણ કરશે. વડાપ્રધાનની અમદાવાદ અને ગુજરાત મુલાકાતને લઇ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.

(9:54 pm IST)