Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભાનુશાળી હત્યા કેસ સંદર્ભે કુલ પાંચની કરાયેલ ધરપકડ

હજુ પણ વધુ શખ્સોની ધરપકડ કરાય તેવી વકી : ભાનુશાળીની હત્યા બાદ તેમના પરિજનોને ગંભીર ચિમકી બે શાર્પશૂટર બાદ મનીષા ગોસ્વામીની પણ ધરપકડ કરાઈ

અમદાવાદ,તા. ૧૨ : ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) અને ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. જેમાં બે શાર્પ શૂટર શેખર મારૃ, સુરજીત ભાઉની ધરપકડ કરાયા બાદ ગઇ મોડી રાત્રે મનીષા ગોસ્વામીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ સિવાય પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લેતાં આ સમગ્ર હત્યા પ્રકરણમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઇ છે. બીજીબાજુ, જયંતિ ભાનુશાળીની હત્યા બાદ હવે તેમના પરિવારજનોને ગંભીર ધમકીઓ મળી છે. ખાસ કરીને મુંબઇથી કોઇ અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાંખવાની ધમકીઓ મળતાં પરિવારજનો આજે બપોરે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ કેસમાં ફરિયાદી બનનાર સુનીલ ભાનુશાળી સહિતના પરિવારજનોએ લેખિત અરજી કરી પોલીસ સુરક્ષા માંગતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે પણ મામલાની ગંભીરતા ધ્યાને લઇ પરિવારજનોને સુરક્ષા માટેની તજવીજ હાથ ધરી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના હત્યા કેસમાં પોલીસે શાર્પ શૂટર શેખર મારૃ, સુરજીત ભાઉ અને મનીષા ગોસ્વામીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. જેના આધારે વધુ બે આરોપીઓ પણ સંકજામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ એક કાર પણ જપ્ત કરી છે. ભાનુશાળીનો પીછો કરવા માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે બતાવેલા સીસીટીવીનાં આધારે મનજીબાપુએ સુરજિતને ઓળખી કાઢ્યો હતો. સુરજિત ભાઉ અગાઉ જયંતિ ભાનુશાળીનાં ફાર્મ પર કામ કરતો હતો. તો મનજીબાપુને જયંતિ ભાનુશાળી પોતાના ગુરૃ માનતા હતા. મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતુ.

મનજીબાપુએ સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. ક્રાઇમ બ્રાંચને મનજીબાપુએ જણાવ્યું કે, મે ભાનુશાળીને ચેતવ્યા હતા. બીજી તરફ ભાનુશાળીનાં ભત્રીજા સુનીલે તેના કાકાની હત્યામાં સામેલ હોય તેવા ૬ શકમંદોમાંથી એક ઉમેશ પરમારનું નામ લખાવ્યું હતુ. ઉમેશ પરમારે આ કેસમાં તેને ખોટી રીતે સંડોવાયો હોવાની રજૂઆત કરી સુનીલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેન ઉપડતા પહેલા ૨ જનરલ ટિકિટ એસી કોચમાં કન્વર્ટ કરાઈ હતી. ટિકિટ ચેકર પાસે સેકન્ડ એસીમાં ટિકિટ કન્વર્ટ કરાઈ હતી. ટિકિટ કન્વર્ટ કરાવનાર કોણ અને કેમ તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યારાઓ સેકન્ડ એસીનાં દરવાજાથી અંદર ઘુસ્યા હોવાની પોલીસને માહિતી છે. ટિકિટ કન્વર્ટ કરાવનારા જ હત્યારા છે કે અન્ય કોઈ તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસીમાં કેટલાક શખ્સોએ આંખ અને છાતીમાં બે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગુજરાતના રાજકારણ સહિત જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. આગામી દિવસોમાં હત્યા કેસને લઇ નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા પણ પોલીસે વ્યકત કરી હતી.

ઉમેશ પરમારે સામી ફરિયાદ નોંધાવી

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારે સામી ફરિયાદ નોંધાવી. પોતાની સામે હત્યા અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને પોતે નિર્દોષ હોવાની વાત તેણે કરી છે.

મનીષા ગોસ્વામીના પતિની તબિયત બગડી

જયંતિ ભાનુશાલી હત્યા કેસ આરોપી વાપીની મહિલા મનીષા ગોસ્વામીના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડતાં તેને વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને મોડી રાત્રે દાખલ કરાયા બાદ સવારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, તે મીડિયા સામે કાંઈ પણ બોલવા તૈયાર ન હતો. સૂત્રો દ્વારા માહિતી મળી કે, હૃદયના ધબકારા વધી જવાને કારણે મનીષાના પતિ ગજું ગોસ્વામીને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યો હતો. ગજું ગોસ્વામી પોતાની પત્ની મનીષા ગોસ્વામીની ગુમ થયાની ફરિયાદ કરી શકે છે.

(7:31 pm IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST