Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઉંઝાના પાટીદાર પરિવારનો નવતર અભિગમઃ ઘરના મોભીની યાદમાં મુકતપુર ગામમાં તળાવને ૯૯ વર્ષ માટે દત્તક લઇ ૬ કરોડના ખર્ચે તેનું નવનિર્માણ કર્યુંઃ મંદિર-બગીચા સહિતની સુવિધાઓ ઉભી કરીઃ નિભાવ પાછળ દર વર્ષે ૧૦ લાખનો ખર્ચ કરશે

મહેસાણા : પરિવારના કોઈ મોભીનું મોત થાય તો અનેક લોકો તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. કોઈ તેમની યાદમાં સ્મૂતિ ચિન્હ બનાવે છે, તો કોઈ ચબૂતરો, કોઈ પંખીઘર તો કોઈ પરબ, તો કોઈ સેવાભાવી સંસ્થાઓ બનાવીને દાનધર્મ કરતા હોય છે. પરંતુ મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે એક નવતર અભિગમ અપનાવ્યો છે. .જેમાં પિતાની યાદમાં આંખે એક વ્યક્તિએ આખા તળાવને 99 વર્ષ સુધી દત્તક લઇને તેને 6 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કર્યું છે. પિતાની સ્મૃતિ સરોવરનું નામ હીરાભા દત્ત સરોવર રાખવામાં આવ્યું છે. જેને આગામી 15મી જાન્યુઆરીના રોજ ઊંઝા તાલુકાને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

ઊંઝા તાલુકાના મુક્તપુર ગામના વતની રમેશભાઈ અને તેમના પુત્ર કલ્પેશભાઈએ પોતના પિતા અને દાદા હીરાભાઇ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક આપવાનું નક્કી કર્યું હતું. તેથી આ ભાવના સાથે તેમણે ગામમાં આવેલ તળાવની પસંદગી કરી. જ્યાં વર્ષોથી બાવળ સિવાય કંઈ જ ઉગતુ ન હતું અને સાવ કોરુ હતું. આ તળાવમાં ઉતરતા પણ લોકોને બીક લાગતી હતી. પરંતુ રમેશભાઈ અને કલ્પેશભાઈને પગલે આ કાણિયા તળાવ આજે હીરાભા દત્ત તળાવ બની ગયું છે. 6 કરોડના ખર્ચે આ તળાવ હકીકતમાં હીરા જેવું બની ગયું છે. રિનોવેશન બાદ તેનું હીરાની જેમ નક્શીકામ કરાયું હોય તેવું લાગે છે. હવે ગામના લોકો પણ આ તળાવને જોઈને મોઢુ મચકોડતા નથી, પણ જોઈને મલકાય છે.

એક સમયે રાતના અંધારામાં ભયજનક લાગતા, ગામનો કચરો ઠાલવવાનું સ્થળ બની ગયેલા આ પૌરાણિક કાણિયાં તળાવને રમેશભાઇ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઇ પુનઃ નિર્માણ કરવાનું સપનું જોયું. જેને હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરી આજે આખરી ઓપ અપાઇ રહ્યો છે. તળાવનું પુન: નિર્માણ થતાં ગામલોકોને મનોરંજન હેતુ હવે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે.

રમેશભાઈને જ્યારે આ તળાવનું નવીનીકરણ કરવાનો વિચાર આવ્યો, ત્યારે તેમણે સરપંત પાસેથી ઠરાવ પાસ કરીને તેને ભાડા પર લઈ લીધું હતું. 22 સપ્ટેમ્બર, 2017માં તેના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ હતી. એક વર્ષના સમયગાળામાં જ તળાવનું નવીનીકરણ પૂરુ કરાયું હતું. આ તળાવના નવીનીકરણ માટે એકપણ રૂપિયા સરકારની તિજોરીમાંથી લેવામાં આવ્યો નથી. જેનું લોકાર્પણ હવે સ્વ.હીરાભાઈ પટેલની 3જી પુણ્યતિથિ પર, 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. તેનું લોકાર્પણ તેમના મોટાભાઈના હસ્તે કરવામાં આવશે. રમેશભાઈએ આખુ તળાવ 99 વર્ષના ભાડા પર લીધું છે. તેથી હવે આ તળાવ વર્ષોવર્ષ સ્વચ્છ રહેશે.

નવા તળાવની ખાસિયત :

10 એકર જમીનમાં તૈયાર થયું છે આ સરોવર

તેની ફરતે 600 મીટરનો રોડ બનાવ્યો છે

95 લાખ લિટર પાણી સરોવરમાં સમાય તેવી ક્ષમતા

8 મીટર સરોવરની ઊંડાઈ

2920 વૃક્ષોનું વાવેતર તળાવકાંઠે કર્યું 

તળાવને કાંઠે દત્ત મંદિર બની રહ્યું છે

તળાવ પાસે ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન જિમ, મેનાબા પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય અને નિલેશ ક્રીડાંગણ બનાવાયું છે

લેડીઝ- જેન્ટ્સ ટોયલેટ બનવામાં આવ્યું છે

આવનારા વર્ષોમાં પ્રતિ વર્ષે 10 લાખનો ખર્ચ કરીને તેની સ્વચ્છતા જાળવવામાં આવશે

આમ તો રમેશભાઈનો પરિવાર આ ગામમાં રહેતો નથી. અંદાજિત 35 વર્ષથી તેમને ધંધા અર્થે આ ગામ છોડી દીધું છે અને તેઓ ગાંધીનગર રહે છે. આ સરોવરના કિનારે અજ ગોલ્ડન બ્રિજ નામનો લોખંડનો બ્રિજ બનાવાયો છે, જેના પર ચઢીને આખું સરોવર જોઈ શકાશે. આમ હીરાભાની યાદમાં તેમના પુત્રોએ ગામનું ઋણ અદા કરીને અન્યો માટે ઉદાહરણનો દાખલો બેસાડ્યો છે.

(5:21 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST