Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વાઇબ્રન્ટ સમિટમાં મહેમાનોને અપાશે સેવન સ્ટાર ટ્રીટમેન્ટઃ ૧પ જાતની ચા-કોફીના ૨પ કાઉન્‍ટર મુકાશેઃ વેલકમ ડ્રિંક્સ, ઢોકળાનું સ્ટાટર અને કાઠિયાવાડી-સુરતી ભોજન પીરસાશે

ગાંધીનગર : 18થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે વાઈબ્રન્ટ સમિટને લઈ રાજ્ય સરકારના મુખ્ય સચિવ જે.એન.સિંઘે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આ વાઈબ્રન્ટ સમિટમાં શું મુખ્ય આકર્ષણ રહેશે તે જણાવ્યું હતું. જેમાં તેમણે વાઈબ્રન્ટના મહેમાનો માટે પિરસવામાં આવનાર ખાસ ફૂડ વિશે પણ માહિતી આપી હતી.

વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમિટમાં ભાગ લેવા આવી રહેલા દેશના તેમજ વિદેશના મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજન પિરસાશે. મહેમાનોને શું શું પીરસવામાં આવશે તેની યાદી બનાવી લેવામાં આવી છે.

વેલકમ ડ્રિંક્સ

મહેમાનોને વેલકમ ડ્રિંક્સમાં ઠંડી છાસ, અને લીંબુ પાણી આપવામાં આવશે.

સ્ટાર્ટર

સ્ટાર્ટરમાં ઢોકળા, સમોસા અને પાત્રા આપવામાં આવશે.

ભોજન

ભોજનની વાત કરીએ તો ભોજનમાં 60 ટકા જેટલી વાનગીઓ ગુજરાતી રાખવામાં આવી છે. તો 20 ટકા વાનગીઓ નોર્થ ઇન્ડિયન અને 20 ટકા કોન્ટિનેન્ટલ વાનગીઓ પિરસાશે. મુખ્ય ભોજનમાં મકાઈનો અને બાજરાનો રોટલો, ઘઉંની રોટલી, રીંગણનું શાક, સુરતી પોંક, દાળ-ભાત અને પાપડ પિરસવામાં આવશે. આ સાથે પાસ્તા જેવી બેક્ડ વાનગીઓ પણ રહેશે. આ ઉપરાંત વિદેશી મહેમાનો માટે થાઈ કઢી અને ઓરિએન્ટલ વાનગીઓ પિરસવામાં આવશે.

ચા-કોફી

વાઇબ્રન્ટ સમિટના કેમ્પસમાં મહેમાનો માટે 5 પ્રકારની ચા અને 3 પ્રકારની કોફી સહિત 15 વેરાઇટીઝ રાખવામાં આવશે. જેમાં મસાલા ટી, કાદમ ટી, જાસ્મીન ટી,ચર્મનમાઇલ ટી, અને ગ્રીન ટી એમ પાંચ પ્રકારની ટી રાખવામાં આવશે. તો ગ્રીન ટીમાં પણ જુદી જુદી પાંચ વેરાઈટીઝ હશે. આ ઉપરાંત ચા, કોફીની સાથે કૂકીઝ પણ મૂકવામાં આવશે. વાઇબ્રન્ટ કેમ્પસમાં 25 જેટલા કાઉન્ટર મૂકવામાં આવશે..

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં દુનિયાભરમાં મહેમાનો આવતા હોય છે. જેમાં એનઆરઆઇ, એનઆરજી, દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારો સામેલ હોય છે. ત્યારે બહારથી આવનારા આ મહેમાનોને ગુજરાતી સ્વાદ ચાખવા મળે તે હેતુથી આ પ્રકારનું ફૂડ પિરસવામાં આવનાર છે. મેનુની પસંદગી માટે છેલ્લા દોઢ મહિનાથી કરવામાં આવી રહી હતી. જેના બાદ આખરે મેનુ ફાઈનલ થયું હતું.

(5:14 pm IST)