Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

છોટાઉદેપુરમાં ભાઇનો જીવ લેનાર દીપડાને ગોળીઅે દઇ બીજા ભાઇઅે બદલો લીધો

છોટાઉદેપુર : છોટાઉદેપુરમાં એક રસપ્રદ ઘટના સામે આવી હતી. ભાઈ પર એક દીપડાએ કરેલા હુમલાનો ભાઈએ બદલો લીધો અને દીપડાને ઠાર કર્યો. તો બીજી તરફ, દીપડાનો જીવ લેનાર હિંદુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપી લીધો છે.

પાવીજેતપુરના બાંડી ગામે એક દીપડાને ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરાયો હતો. ગત 7મી તારીખે પાવીજેતપુરનાં બાંડી ગામે વન વિભાગે રેસ્ક્યુ કરી ઝડપી પાડેલ દીપડાને પાવાગઢનાં ધોબીકુવા ખાતેના સેન્ટર ખાતે લઇ જવાયો હતો.  બીજા દિવસે તેનું મોત નિપજ્યું હતું. પીએમ કરતા તેના પાછળનાં ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ગોળી પણ વાગી હોવાની શંકા લાગી રહી હતી. વન વિભાગે આ બાબતે અજાણ્યા શખ્સ સામે ગુનો પણ દાખલ કર્યો હતો. વન વિભાગને મળેલ માહિતી મુજબ, દીપડા ઉપર બાંડી ગામના જ એક શખ્સે ફાયરીંગ કર્યું હતું.

વન વિભાગને આ બાબતની જાણ થતા ફાયરીંગ કરનાર હિંદુ રાઠવાની ધરપકડ કરી છે. જેના પાછળ એક ઘટના કારણભૂત હતી. ગત તારીખ 6નાં રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાંડી ગામે દીપડાએ ગામની એક સાત વર્ષની બાળકી, એક બે વર્ષનું બાળક અને એક આધેડ ખેડૂત ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક બે વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાત વર્ષની બાળકી સહિત રામસિંગ રાઠવા નામના આધેડ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોતાના સગા ભાઈ રામસિંગ રાઠવા સહિત ગામના ત્રણ ત્રણ લોકો ઉપર દીપડાએ કરેલા હુમલાને લઇને હિંદુ રાઠવા ગુસ્સે ભરાયો હતો. પોતાના પાસે પાક રક્ષણ માટેની લાયસન્સવાળી બોરની બંદુકથી પોતાના અને ગામ લોકોના રક્ષણ માટે દીપડા ઉપર ફાયરીંગ કર્યું હતુ. આ બાબતની તેણે કબૂલાત પણ કરી હતી.

જે રામસિંગ રાઠવા પર હુમલો થયો હતો, તે હિંદુ રાઠવાનો ભાઈ હતો. તેથી હિંદુ રાઠવાએ આ ઘટનાનો બદલો લીધો અને દીપડાને પણ ઠાર કર્યો. વન વિભાગે આરોપીની બંદૂક જપ્ત કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.

(5:12 pm IST)