Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અલ્પેશ માટે ભાજપનો 'કોરો' ચેક તૈયારઃ મંત્રીપદ કે સંસદની ટીકીટ લખો

ભાજપે 'પેચ' લગાવવાનું શરૂ કર્યુઃ 'કાવા' નાખીને કોંગ્રેસના મોટા પતંગો ખેચવાની પ્રવૃતિ આગળ વધશેઃ 'કુંવરજીભાઇવાળી' કરવાની હિલચાલઃ ચાર-પાંચ કોંગી ધારાસભ્યો પર ભાજપની નજર ઠરીઃ મોટી રાજકીય નવાજુનીના ડોકિયા

રાજકોટ તા.૧૨: ઉતર ગુજરાતના રાધનપુરના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત રાજ્યના ચાર-પાંચ વિપક્ષી ધારાસભ્યો પર ભાજપની નજર ઠર્યાનું અને લોકસભાની  ચૂંટણી પહેલા જ મોટું ઓપરેશન કરવાની તૈયારી હોવાના નિર્દેષ મળે છે. કુંવરજીભાઇ ભાજપમાં જોડાયાના બે દિવસ પહેલા સુધી રાજ્ય સરકાર વિરોધી ધરણામાં જોડાયા હતા અને પછી કેસરિયો ખેસ ધારણ કરી લીધેલ.

અલ્પેશ ઠોકોરે ભાજપમાં જોડાવાની વાતને સમર્થન આપ્યું નથી પરંતુ ભાજપ તરફથી તેને ખેંચવાના ભરપુર પ્રયાસો ચાલુ રહયાનું બહાર આવેલ છે. ભાજપે તેના માટે 'કોરો' રાજકીય ચેક તૈયાર રાખ્યો છે. અલ્પેશ ઇચ્છે તે પદ તેમાં લખી શકે છે.

અલ્પેશ ઠાકોરને પક્ષપલ્ટો કરાવીને ભાજપ ઠાકોર મતોને મોટા પ્રમાણમાં ભાજપ તરફ વાળવા માંગે છે. રાધનપુર ધારાસભા બેઠક પરથી ફરી તેને ટીકીટ આપવાની અથવા ઇચ્છે તો પાટણ કે બનાસકાંઠા લોકસભાની ટીકીટ આપવાની ભાજપની તૈયારી હોવાનું આધારભૂત વર્તુળો જણાવે છે. જો તેઓ રાજ્યના રાજકારણમાં રહેવા ઇચ્છે તો મહત્વના ખાતા સાથે કેબીનેટ મંત્રીપદ આપવા સુધીની ઓફર હોવાનું ચર્ચાઇ રહયું છે. કેન્દ્રના રાજકારણમાં જવા ઇચ્છે તો સંસદની ટીકીટ આપવા સુધીની વાત છે. અલ્પેશ ભાજપમાં જોડાય તો કોંગ્રેસમાંથી બીજા કેટલાક ધારાસભ્ય કક્ષાના અગ્રણીઓને ખેંચી શકે તેવી ભાજપને આશા છે. અલ્પેશ ઠાકોરે હજુ ભાજપને હા પાડી નથી પણ ભાજપે પ્રયાસો ચાલુ રાખ્યા તે સૂચક છે.

અલ્પેશ ઠાકોર ધારાસભ્યમાંથી રાજીનામું આપી ફરી પોતે પેટાચૂંટણી ન લડવાના હોય તો તે બેઠક માટે ભાજપ સરકારના પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને લડાવવાનો વિચાર થાય તેવી શકયતા છે. શંકર ચૌધરીનું નામ લોકસભા બેઠક માટે પણ ગાજી રહયું છે.

ભાજપે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગિર સોમનાથ (જૂનાગઢ મતક્ષેત્ર) અને જામનગર જિલ્લામાં રાજકીય ઓપરેશન માટે હિલચાલ શરૂ કર્યાનું જાણવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ખેચાતા લોકોને ત્વરિત પદની લ્હાણી કરવાની નવી શરૂ થયેલી પ્રથા આગળ વધે તેની મૂળ ભાજપીઓ પર શું અસર આવશે  તે અલગ વિશ્લેષણનો વિષય છે.(૧.૧૫)

(3:47 pm IST)