Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઇ લાયબ્રેરીમાં હવેથી પુસ્તકો ફોન પર ફ્રીમાં વાંચવા મળશે

૫૦ હજારથી વધારે પુસ્તકો વાંચવા મળશેઃ એમજે લાઇબ્રેરી સહિત લાઇબ્રેરી અને મ્યુનિ. શાળાઓમાં તબક્કાવાર ૧૦૦ ઇન્ફર્મેશન કિઓસ્ક મૂકવા માટે તૈયારી

અમદાવાદ,તા. ૧૧: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટસિટી મિશન હેઠળ શહેરીજનોને વધુમાં વધુ ક્ષેત્રમાં સ્માર્ટ સેવા પૂરી પાડવા વિભિન્ન પ્રોજેકટનું અમલીકરણ કરાયું છે અને કેટલાક પ્રોજેકટ અમલીકરણની દિશામાં આગળ ધપી રહ્યા છે, જેમાં ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટ હેઠળ આગામી એક મહિનામાં અમદાવાદીઓને પ૦,૦૦૦થી વધુ ઇ-બુક મોબાઇલ પર આંગળીના ટેરવે વાંચવા મળે તેવી શકયતા છે. આગામી દિવસોમાં એમ.જે. લાઇબ્રેરી તેમજ તેના શાખા પુસ્તકાલય તેમજ શહેરની અન્ય આર્ટ લાઇબ્રેરી સહિતની લાઇબ્રેરીના સભ્યોને પ૦,૦૦૦થી વધુ પુસ્તકો ઇ-બુકના સ્વરૂપે મોબાઇલ એપના માધ્યમથી મફતમાં વાંચવાનો લહાવો મળશે. આમ તો તંત્રે એક લાખ ઇ-બુકનો સમાવેશ કરવાની બાબતને ટેન્ડરમાં મહત્ત્વ આપ્યું છે. સ્માર્ટ સિટી મિશનના ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેક્ટ હેઠળ ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, ઇતિહાસ, આરોગ્ય અને બાળ સાહિત્યને લગતી પ૦,૦૦૦ ઇ-બુક, ર૦૦ જેટલી ઓડિયો બુક, પ,૦૦૦ શૈક્ષણિક વીડિયો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પરના રિસર્ચ પેપર્સ, મેડિકલ જર્નલનો સમાવેશ ધરાવતા ર૦,૦૦૦ આર્ટિકલ વગેરેને ઇ-સ્માર્ટ લાઇબ્રેરી હેઠળ આવરી લેવાશે. એમ.જે. લાઇબ્રેરીને પણ સ્માર્ટ લાઇબ્રેરી તરીકે વિકસિત કરવાના ભાગરૂપે કિ-ઓસ્ક મશીન વસાવાશે. શાખા પુસ્તકાલયોને વાઇ-ફાઇની સુવિધા અપાશે. તંત્ર દ્વારા ખાસ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમને અપનાવાશે. જે માટે વિશેષ પ્રકારનું સોફટવેર તૈયાર કરાશે, જેના આધારે લાઇબ્રેરીના સભ્યોને આજની સ્થિતિએ લાઇબ્રેરીમાં કેટલી બુક છે, કેટલી બુક અન્ય સભ્યોને વાંચન હેતુ અપાઇ છે. નિશ્ચિત સમયમર્યાદાની અંદર તે બુક છે કે પછી વધારે સમયથી વાંચવામાં છે વગેરે બાબતોની જાણકારી મળી રહેશે. મ્યુનિસિપલ લાઇબ્રેરીઓની બુક માટે બારકોડ અપનાવાશે, જેના કારણે સભ્યોને બુક સંબંધિત માહિતી આંગળીના ટેરવે રહેશે. સત્તાવાળાઓએ એમ.જે.લાઇબ્રેરી સહિતની લાઇબ્રેરી તેમજ મ્યુનિસિપલ શાળાઓમાં એક અંદાજ પ્રમાણે ૧૦૦ ઇન્ફર્મેશન કિઓસ્ક મૂકવાની વિચારણા હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તબક્કે ૧૦થી ર૦ કિઓસ્ક મુકાશે.  એમ.જે. લાઇબ્રેરીની વેબસાઇટ પર મહાત્મા ગાંધી દ્વારા ભેટ અપાયેલા ૩પ૦૦ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીને નાગરિકો માટે ઓનલાઇન મુકાયા છે, પરંતુ ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટ હેઠળ આ પુસ્તકો પણ મુકાશે. એમ.જે. લાઇબ્રેરીમાં સભ્ય ફી માટે ઇ-પેમેન્ટની સુવિધા તેમજ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરીને તેનું સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે કોમ્પ્યુટર લેબ ઊભી કરાશે દરમિયાન સ્માર્ટ સિટી પ્રોજેકટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરે ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટ અંગે જણાવ્યું કે, આ પ્રોજેકટ હેઠળ વધુને વધુ સંખ્યામાં ઇ-બુકસનો સમાવેશ કરવાનો તંત્રનો પ્રયાસ રહેશે. જે માટેના ટેન્ડર નીકળી ચૂકયાં હોઇ એક મહિનામાં નાગરિકોને પોતાના મોબાઇલ પર ઇ-બુકસ વાંચવાનો લહાવો મળે તે દિશામાં તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે.

(10:10 pm IST)
  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST