Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

જૂના વાડજના પૃથ્વી એપાર્ટમેન્ટના બનાવથી ચકચાર : લેબર કોન્ટ્રાકટરે આત્મહત્યા પહેલાં ત્રણ બિલ્ડરોના ત્રાસ અને બાકી લેણાં નીકળતા લાખો રૂપિયા અંગે ધડાકો કર્યો

અમદાવાદ, તા.૧૧ : શહેરના જૂના વાડજ વિસ્તારમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા એક લેબર કોન્ટ્રાકટરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લેબર કોન્ટ્રાકટરે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી છે, જેમાં ત્રણ બિલ્ડરોના ત્રાસ અને તેઓની પાસેથી લેવાના બાકી નીકળતાં લાખો રૂપિયા પાછા અપાતા નહી હોવા અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. બીજીબાજુ, મૃતકના પરિવારજનોએ જયાં સુધી આ કેસમાં આરોપી બિલ્ડરો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઇ મામલો ભારે ગરમાયો હતો. જો કે, પોલીસે સમગ્ર મામલામાં યોગ્ય અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી પરિસ્થિતિ થાળે પાડી હતી. શહેરના જૂના વાડજ વિસ્તારમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા લેબર કોન્ટ્રાકટર ખોડાભાઇ પ્રેમજીભાઇ પરમારે બિલ્ડરોના ત્રાસ અને પૈસાની લેતીદેતીમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં વાડજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મરનાર લેબર કોન્ટ્રાકટરે આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ જપ્ત કરી હતી. જેમાં એવો ચોંકાવનારો ઘટ્સ્ફોટ સામે આવ્યો હતો કે, પોલીસ કમિશનર સાહેબ, મે ૨૦૧૪માં ઇમાદ ટાવરનું લેબર કામ કરેલ, તેના બીલ પટે  પૈસા લાવાના હતા પરંતુ આપ્યા નથી. તે બીલ પટે મને ઇમાદ ટાવરમાં ડી-૯૦૩ નંબરના ફેલટ મારી મિસીસના નામે પરમાર પારૂલબહેન ખોડાભાઇના નામે એલોટ કર્યો અને બીજો ફલેટ બી-૫૦૪માં પેન્ટહાઉસ જે પરમાર ખોડાભાઇ પ્રેમજીભાઇના નામે એલોટ કર્યા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેના દસ્તાવેજ બનાવવા ધક્કા ખાઇને થાીકી ગયો છું. જેની બંને ફલેટની ફાઇલ મારી પાસે છે. અને અમદાવાદ મહેસાણા હાઇવે પર ખેરપુર રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલમાં કામ પેટે રૂ. ૧૮ લાખ લેવાના છે, તે પણ આપતાં નથી. ધક્કા ખાઇને થાકી ગયો છું, વ્યાજ ભરીને થાકી ગયો છું. રાજેશ, ભાવના, નીતિન, પ્રાંચી, સોનલ, ઉપેન તથા પારૂલ તારી મમ્મીનું ધ્યાન રાખજો. જય માતાજી. આ પ્રમાણે લખાયેલી સ્યુસાઇડ નોટમાં છેલ્લે ઇમાદ ટાવરના બિલ્ડર જેકીભાઇ તથા ફઝલભાઇ મેમણ અને દિલ્હી પબ્લીક સ્કૂલ શેખરભાઇ અર્ચી ગાંધીધામના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે હવે આ સ્યુસાઇડ નોટનાઆધારે પણ સમગ્ર પ્રકરણમાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

(7:24 pm IST)