Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

હાર્દિક પટેલ સપા બસપાના સંભવિત ગઠબંધનનો ઉમેદવાર બની પીઅેમ મોદીને ચૂંટણીમાં ટક્કર આપે તેવી શક્યતા

લખનઉ:  ઉત્તર પ્રદેશમાં સપા બસપાના સંભવિત ગઠબંધન વચ્ચે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આ ગઠબંધન પીએમ નરેન્દ્ર મોદીને વારાણસીમાં ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. વારાણસીમાં એક મોટો રાજકીય સંદેશ આપવાની ગરજ હેઠળ સપા બસપા ગઠબંધન પોતાનો સયુંક્ત ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. જે અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને પાર્ટીઓથી અલગ  કોઈ મજબુત દાવેદાર પર દાવ લગાવી શકે છે. આ જ કારણે સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાતના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને વારાણસીથી ગઠબંધન તરફથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

યુપીમાં સપા બસપા ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે શનિવારે અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે મુલાકાત થશે. એવી અટકળો થઈ રહી છે કે આ બંને નેતાઓ મહાગઠબંધન અંગે ઔપચારિક જાહેરાત કરી શકે છે. કારણ કે આ બંને નેતા જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ માટે મીડિયાકર્મીઓને બપોરે 12 વાગે અહીંની હોટલ તાજમાં અખિલેશ અને માયાવતીની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સને કવર  કરવા માટે આમંત્રણ અપાયું છે. ખાસ વાત એ છે કે આમંત્રણ પર સપા તરફથી રાજેન્દ્ર ચૌધરી અને બીએસપી તરફથી સતીષચંદ્ર મિશ્રાના હસ્તાક્ષર છે.

37-37 બેઠકો પર લડશે ચૂંટણી

આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર સપા બસપા મળીને ચૂંટણી લડશે. બંને પક્ષોના ટોચના નેતૃત્વ વચ્ચે સૈદ્ધાંતિક સહમતિ બની ગઈ છે. સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ ગત શનિવારે જણાવ્યું હતું કે ગઠબંધનને લઈને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી વચ્ચે અનેક તબક્કાની વાત થઈ ચૂકી છે. આ કડીમાં ગત શુક્રવારે બંને નેતાઓ વચ્ચે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધનને લઈને 'સૈદ્ધાંતિક સહમતિ' બની ગઈ છે.

કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ કરવાની સંભાવના પર ચૌધરીએ કહ્યું હતું કે તેનો નિર્ણય અખિલેશ અને માયાવતી લેશે. હાલ તો કોંગ્રેસના ટોચના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ક્રમશ: અમેઠી અને રાયબરેલીની બેઠકો છોડશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સ્થિત માયાવતીના નિવાસ સ્થાને ગત શુક્રવારે અખિલેશની સાથે લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં બંને પક્ષો દ્વારા 37-37 બેઠકો પર ચૂંટણી લડવાની સહમતિ બનેલી છે. છ બેઠકો કોંગ્રેસ અને આરએલડી તથા અન્ય માટે છોડવામાં આવી છે.

કોંગ્રેસના નામ પર સસ્પેન્સ

આ બધા વચ્ચે કોંગ્રેસે સપા બસાપના 37-37 બેઠકો પર ચૂંટણી લડવા પર સહમતિ બન્યા બાદ ઉત્તર પ્રદેશમાં પોતે એકલા હાથે ચૂંટણી લડશે તેવા સંકેત આપ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી એલ પુનિયાએ આ  ગઠબંધન અંગે કહ્યું કે બંને પક્ષો પોત પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. કોઈ કોઈના પર જબરદસ્તીથી સમજૂતિ કરી શકે નહીં. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો સવાલ છે તો પાર્ટી પહેલેથી જ ખુબ સારી રીતે ચૂંટણી લડવાની તૈયારીમાં છે. અમે એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ.

(9:00 am IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST