Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

૪ ટુ બીએચકેના બદલે વન બીએચકેના ૩ ફલેટ આપ્યા

બીજે મેડિકલના નિવૃત્ત પ્રોફેસર સાથે છેતરપીંડી : પોલીસમાં મહાકાલેશ્વર કન્સ્ટ્ર્કશન સ્કીમના ડાયરેકટર અરજણ ઉકાભાઇ સોલંકી વિરૂધ્ધ અંતે ફરિયાદ નોંધાઇ

અમદાવાદ,તા. ૧૨ : બી.જે.મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રોફેસરને બિલ્ડરે ટુ બીએચકે ચાર ફલેટના બદલે વન બીએચકેના ત્રણ ફલેટ પધરાવી છેતરપીંડી કરતાં ઠગાઇનો ભોગ બનેલા નિવૃત્ત પ્રોફેસરે મહાકાલેશ્વર કન્સ્ટ્રકશનના ડાયરેકટર અને બિલ્ડર એવા અરજણ ઉકાભાઇ સોંલકી વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બહેરામપુરા વિસ્તારમાં વિનયવિહાર સોસાયટીમાં રહેતા અને બી.જે.મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રોફેસર ડો.શ્યામલભાઇ કાળીદાસભાઇ પુરાણીના ભત્રીજાનું ગત ૨૫-૧-૨૦૧૦ના રોજ મૃત્યુ નીપજતાં તેની અંતિમવિધિ વખતે દાણીલીમડા ગયા હતા ત્યાં તેમની મુલાકાત મહાકાલેશ્વર કન્સ્ટ્રકશનના ડાયરેકટર અને બિલ્ડર અરજણ ઉકાભાઇ સોલંકી થઇ હતી. અરજણભાઇએ બહેરામપુરા કબાડી માર્કેટ સામે દ્વારકેશ નામના ફલેટની સ્કીમ કરી રહ્યા હોવાની વાત શ્યામલભાઇને કરી હતી. દરમ્યાન શ્યામલભાઇએ રૂ.૧૨ લાખ રૂપિયાની કિંમતનો ટુ બીએચકે ફલેટ ખરીદયો હતો અને અરજણભાઇને રૂ.૧૨ લાખનો ચેક આપ્યો હતો. જો કે, તેની કોઇ રિસીપ્ટ અરજણભાઇએ તેમને આપી ન હતી. થોડાક દિવસો પછી અરજણભાઇને ચાર લાખ રૂપિયાની જરૂર હોવાથી તેમણે શ્યામલભાઇ પાસે પૈસા માંગ્યા હતા, જેથી શ્યામલભાઇએ તેમની પુત્રી કેતકીબહેનના નામે બીજો ટુ બીએચકે ફલેટ બુક કરાવ્યો હતો અને ચાર લાખ રૂપિયા તે પેટે તેને આપ્યા હતા અને બાકીના રૂપિયા પઝેશન વખતે આપવાનું નક્કી થયું હતું. એ પછી શ્યામલભાઇએ તેમની બીજી ડોકટર પુત્રી દિપ્તીબહેન માટે પણ ત્રીજો ટુ બીએચકે ફલેટ ખરીદી તે પટે રૂ.૯ લાખ અરજણભાઇને આપ્યા હતા અને છેલ્લા શ્યામલભાઇની ભત્રીજાની વહુ કૈલાસબહેન માટે પણ ૪થો ટુ બીએચકે ફલેટ ખરીદી તે પેટે રૂ.૯.૭૫ લાખ રૂપિયા અરજણભાઇને આપ્યા હતા. આમ, અલગ-અલગ સમયે કુલ ચાર ટુ બીએચકે ફલેટ પેટે શ્યામલભાઇએ બિલ્ડર અરજણભાઇને રૂ.૩૪.૭૫ લાખ આપી દીધા હતા.દરમ્યાન તૈયાર થયેલા ફલેટ જોવા શ્યામલભાઇ તેમની પુત્રીઓ સાથે ગયા તો, સ્કીમ પ્રમાણેના ફલેટ નહી હોવાથી શ્યામલભાઇએ પૈસા પાછા માંગ્યા હતા, જેથી બિલ્ડર અરજણભાઇએ થોડાક સમય બાદ શ્યામલભાઇને ટુ બીએચકે અને બાકીના ત્રણ કિસ્સામાં વન બીએચકેના ફલેટનું એલોટમેન્ટ કર્યું હતું. ટુ બીબીએચકેનું કહીને બિલ્ડરે વન બીએચકેના ફલેટ પધરાવતાં અને તેમાંનો એક ફલેટ તો અન્ય વ્યકિતને પણ વેચી મરાયો હોવાની હકીકત સામે આવતાં શ્યામલભાઇએ આખરે અરજણ ઉકાભાઇ સોલંકી વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:23 pm IST)