Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દેશનું દ્વિતીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સોલાપુરમાં યોજાશે

૨૭મીથી ત્રિદિવસીય એક્ઝીબીશનનું આયોજન : ગારમેન્ટ મેળામાં દેશમાંથી દસ હજારથી વધારે રિટેઇલરો ભાગ લેશે : ૧૫૦થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ રજૂ કરાશે

અમદાવાદ, તા.૧૨ : દેશનું દ્વિતીય આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ ગારમેન્ટ અને હોમ ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચર્સ ફેર-૨૦૧૮નું આ વખતે સોલાપુરમાં તા.૨૭થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટેક્ષ્ટાઇલ મંત્રાલયના સહયોગથી યોજાનારા આ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનમાં દેશભરમાંથી દસ હજારથી વધુ રિટેઇલરો ભાગ લેવા આવવાના છે. તો, આંતરરાષ્ટ્રીય કક્ષાની ૧૫૦થી વધુ બ્રાન્ડ આ મેળાવડામાં રજૂ થશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ખરીદદારો-ગ્રાહકોને ગારમેન્ટ્સ ઉદ્યોગમાં પ્રવર્તમાન અને ભાવિ પેટર્ન્સ અને પ્રવાહો પર નજર ફેરવવાની ઉમદા તક પ્રાપ્ય બનશે. આ ભવ્ય મેળાવડા પાછળનો હેતુ ૨૦૨૨ સુધીમાં સોલાપુરમાં ઓછામાં ઓછા નવા ૨૦૦૦થી વધુ એકમો ઉભા કરવાનો છે. સોલાપુર ગારમેન્ટ મેન્યુફેકચર્સ એસોસીએશનના જોઇન્ટ સેક્રેટરી અમિતકુમાર જૈને જણાવ્યું હતું કે, સોલાપુર સમગ્ર દેશ માટે યુનિફોર્મનું પુરવઠાકાર બનવાની સંભાવના ધરાવે છે.ભારતમાં યુનિફોર્મ ઉત્પાદન ઉદ્યોગ એકત્રિત વોલ્યુમ રૂ.૧૮ હજાર કરોડનું છે. જેમાંથી રૂ. દસ હજાર કરોડ ઉત્પાદન ઉદ્યોગ દ્વારા પહોંચી વળાય છે. જો કે, આશરે રૂ.૮૦૦૦ કરોડનું ઉત્પાદન સીધા સ્વરૂપમાં સ્થાનિક સ્કૂલોને પૂરું પડાય છે. જે સ્થાનિક રિટેઇલરો અને સંસ્થા દ્વારા સ્થાનિક દરજીઓ પાસેથી સીવડાવવામાં આવે છે, જેને લઇ ઘણીવાર ભારે અસુવિધા સર્જાય છે. સોલાપુરમાં સ્કૂલ યુનિફોર્મ, કિડસ ગારમેન્ટ્સ, જેન્ટસ અને લેડીઝ ડ્રેસીસની ભરપૂર માંગણી જોવા મળી રહી છે. સોલાપુર રેલ અને રસ્તાના નેટવર્ક થકી દેશના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલુ છે અને તેથી રાજયમાં ગારમેન્ટ ઉદ્યોગો સ્થાપવા માટે ભાવિ રોકાણનું ઉમદા સ્થળ મનાઇ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રી પ્રદર્શનનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગારમન્ટ ઉત્પાદકોને ગારમેન્ટ ઉદ્યોગ માટે આ પ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપવાનો છે.  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના આ મેળામાં સ્કૂલ બેગ, ટ્રાવેલ બેગ, બેલ્ટ, ટાઇ સહિતની અનેકવિધ વેરાઇટી અને પેટર્ન્સ પણ પ્રદર્શિત કરાશે.સોલાપુર ગારમેન્ટ ઉદ્યોગની સંભાવના અને વિપુલ તકો જોતાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ યુનિફોર્મ ગારમેન્ટ ઉત્પાદન એકમ ત્યાં શરૂ કર્યું છે. ગારમેન્ટ્સ ઉદ્યોગની ભાવિ ટેકનોલોજી વિશે પણ પ્રદર્શનમાં મહત્વની જાણકારી ઉપલબ્ધ બનાવવામાં આવશે કે જેથી મશીનરીક્ષેત્રના ઉત્પાદકો તેનો લાભ લઇ શકે.

(8:23 pm IST)