Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ખેડબ્રહ્માની સરકારી કચેરીમાંથી અગત્યના દસ્તાવેજો ગૂમ થઇ જતા દોડધામ

સાબરકાંઠા:જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારના ગુહાઇ કેનાલ સબ ડિવિઝનની કચેરીના કામકાજને લગતા કેટલાક અગત્યના દસ્તાવેજો ગુમ કરીને જેનો નાશ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો કરતી એક ફરિયાદ ગઇકાલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમા ખેડબ્રહ્મામા આવેલી ગુહાઇ કેનાલ સબ ડિવિઝનમાંથી નિવૃત થયેલા ઇજનેર સામે ગુનો નોંધાયો છે. હિંમતનગરના મહાવીરનગર ખાતેના શાંતીનગરમાં રહેતા ઉપરોક્ત કચેરીમાં ફરજ બજાવતા દિનેશભાઈ બળદેવભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે હાલ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં રહેતા નિવૃત્ત મદદનીશ ઇજનેર જી.કે.પટેલના વિરૃધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ખેડબ્રહ્મા ટાઉનમાં આવેલ ગુહાઇ કેનાલ સબ ડિવિઝનની કચેરીમાં ખેડબ્રહ્મા નગરની માપ પોથી તથા ફીલ્ડ બુક જેવી મહત્ત્વની નોંધો ધરાવતા દસ્તાવેજો સન ૨૦૧૫ના સમયગાળા દરમ્યાન તેનો નાશ કરી દેવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન સામાવાળા આરોપી કચેરીમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. આથી કદાચ આ ગુનાઇત પ્રકરણમાં તેમણે પરોક્ષ કે પછી અપરોક્ષ ભાગ ભજવ્યો હોવાની શંકા ઉપસ્થિત થઇ હતી. આથી ગઇકાલે આ પ્રકરણના અનુસંધાનમાં ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 

(5:04 pm IST)