Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નીચા ભાવની મગફળી ખરીદી સરકારમાં ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ

રાજય સરકાર ખેડુતોને સારા ભાવ મળે તે માટે લીધેલ સંવેદનશીલ નિર્ણયનો લાભ કાળાબજારીયાઓ ઉઠાવી રહયા છેઃ કાળા બજારીયા વેપારીઓને મણે ૧પ૦ થી ર૦૦ રૂપીયાનો નફો મળે છેઃ જે ખેડુતો ૭/૧૨ આપે તેને એક મણે તગડુ કમીશન અપાય છે

રાજકોટ, તા., ૧૨: રાજય સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકારના વિવિધ કેન્દ્રો પરથી મગફળીની મોટાપાયે ખરીદી થઇ રહી છે. પરંતુ સરકારના આ સંવેદનશીલ નિર્ણયનો લાભ કાળાબજારીયાઓ ઉઠાવી નીચા ભાવની મગફળી ઓપન માર્કેટમાંથી ખરીદી ઉંચા ભાવે સરકારને પધરાવી  સરકારને શીશામાં ઉતારવાનું સુનિયોજીત કૌભાંડ ચાલી રહયું છે. આ અંગે રાજય સરકાર દ્વારા ઉંંડાણ પુર્વક તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી વકી છે.

 

ચુંટણી પુર્વે ખેડુતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ૯૦૦ રૂ. પ્રતિ મણ મગફળી ખરીદ કરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજય સરકાર દ્વારા તમામ જીલ્લા અને તાલુકા મથકે મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરાયા હતા. આ મગફળી ખરીદી કેન્દ્રો ઉપર ખેડુતો તેના ૭/૧૨ રજુ કરી મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ હતી અને ખેડુતોને આ મગફળી વેચાણનું પેમેન્ટ તેના બેંક ખાતામાં ડાયરેકટ મળી જાય તેવી વ્યવસ્થા રખાઇ હતી. આ વ્યવસ્થા મુજબ રાજયના સેંકડો ખેડુતોએ લાખો ટન મગફળી ૯૦૦ રૂ.ના ભાવે સરકારી કેન્દ્રોમાં સરકારને વેચી હતી.

જા કે, ઓપન માર્કેટ એટલે કે યાર્ડોમાં મગફળીના ભાવો નીચા હોય અમુક કાળાબજારીયા વેપારીઓએ આ તકનો ફાયદો ઉઠાવી નીચા ભાવે મગફળી ખરીદી ઉંચા ભાવે સરકારી કેન્દ્રોમાં વેચતા હોવાનું બહાર આવ્યું છે.

સુનિયોજીત આ કૌભાંડ અંગે જાણકાર વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ઓપન માર્કેટ એટલે કે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં હાલમાં મગફળીનો ભાવ ૭૦૦ થી ૭પ૦ રૂ. છે. જયારે રાજય સરકારના મગફળી ખરીદી કેન્દ્રોમાં ૯૦૦ રૂ.ના ભાવે મગફળી ખરીદ કરાય છે. ઓપન માર્કેટ અને સરકારના ખરીદી કેન્દ્રના ૧પ૦ થી ર૦૦ રૂ.ના આ ભાવફેરનો અમુક કાળાબજારીયા વેપારીઓ લાભ ઉઠાવી રહયા છે.

જાણકાર સુત્રોના કથન મુજબ અમુક મોટા વેપારીઓ સૌરાષ્ટ્ર અને રાજયના વિવિધ યાર્ડોમાંથી ૭૦૦ થી ૭પ૦ રૂ.ના ભાવે મોટાપાયે મગફળીની ખરીદી કરે છે અને બાદમાં અન્ય ખેડુતોના ૭/૧૨ ઉપર આ નીચા ભાવની મગફળી રાજય સરકારના મગફળી ખરીદી કેન્દ્રો ઉપર ૯૦૦ રૂ.ના ભાવે વેચી નાખે છે. આ માટે અમુક ખેડુતોને  કમીશન પણ આપતા હોવાનું કહેવાય છે.

અમુક કાળાબજારીયા વેપારીઓ આ રીતે મોટાપાયે મગફળી નીચા ભાવે ખરીદી રાજય સરકારના કેન્દ્રોમાં ૯૦૦ રૂ.ના ભાવે વેચી એક મણે ૧પ૦ થી ર૦૦ રૂ.નો તોતીંગ નફો મેળવી રહયા છે અને જે ખેડુતોના ૭/૧૨ ઉપર મગફળી વેચે છે તેને તગડું કમીશન પણ આપે છે.

રાજય સરકારને શીશામાં ઉતારવામાં આ સુનિયોજીત કૌભાંડ અંગે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેવી જાણકાર વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. એટલું જ નહિ આ કૌભાંડ અટકાવવા માટે રાજયના વિવિધ મગફળી ખરીદી કેન્દ્રો ઉપર જે ખેડુતોની મગફળી વેચવા માટે આવે છે તે ખેડુતોએ તેના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યુ છે કે કેમ? તે અંગે તપાસ કરવી જાઇએ.

(3:00 pm IST)