News of Friday, 12th January 2018

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કલાકની કાર ચેઝ બાદ કાર ચોર ગેંગને ઝડપી

શહેરમાં ગેંગે ૨૫થી વધુ કાર ચોરી હોવાનો અંદાજો

અમદાવાદ તા. ૧૨ : ગુરુવારે સવારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ કલાકની દિલધડક હાઈ સ્પીડ કાર ચેઝ બાદ કાર ચોરનારી ગેંગને ઝડપી પાડી હતી. ગેંગની SUVને જયારે અડાલજ ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવી ત્યારે તેમણે છટકી જવા પોલીસના પંજા પરથી ગાડી ચલાવી દીધી હતી. પરંતુ આટલુ થયા બાદ પણ અધિકારીઓએ રાજસ્થાનની સંચોર ગેંગના સભ્યોનો પીછો કરવાનું છોડ્યુ નહતુ. તેમણે મહેસાણા નજીકના અમીપુરા ગામ પાસે આ ગેંગના ત્રણે ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી.

 

જો કે આ ગેંગમાંથી ચાર સભ્યો ફરાર થઈ ગયા હતા. પોલીસે ગેંગના કિંગપિનની પાલનપુર નજીક ડીસાથી ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસને SUVમાંથી ચોરેલી ગાડીઓની ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી. શહેરમાં ગેંગે ૨૫થી વધુ કાર ચોરી હોવાનો અંદાજો છે. એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) જે.કે ભટ્ટે જણાવ્યું, 'અમને ટિપ મળી હતી કે રાજસ્થાનની બિશનોઈ ગેંગના સભ્યો અમદાવાદ કાર ચોરવા આવી રહ્યા છે.'

આથી પોલીસ ઈન્સ્પેકટર જે.એન ચાવડા અને તેની ટીમે ટોલ પ્લાઝા પર તૈનાત હતી. રાત્રે ૨.૧૫ વાગે SUV મહેસાણાની દિશામાંથી આવી. પોલીસે જયારે તેને રોકી ત્યારે માસ્ટરમાઈન્ડ ભજનલાલ બિશનોઈએ ચાવડાના પંજા પરથી ગાડી ચલાવી દીધી હતી અને ટોલના બે કર્મચારીઓને પણ હડફેટે લઈ લીધા હતા. ઘાયલ થયા હોવા છતાંય ચાવડા અને તેમની ટીમે અમીપુરા સુધી કારનો પીછો કર્યો હતો. ત્યાં ગેન્ગસ્ટરે પોલીસ પર ગોળી ચલાવી હતી.

પોલીસે રઘુનાથ બિશનોઈ અને નારાયણ બિશનોઈની કારમાંથી ધરપકડ કરી હતી. ગેંગનો સભ્ય નરેશ બિશનોઈ આ ગોળીબારમાં ઘાયલ થયો હતો અને પછી નજીકના એક ખેતરમાંથી મળી આવ્યો હતો. ભજનલાલને ડીસા નજીકથી ગુરુવારે બપોરે ઝડપી લેવામાં આવ્યો હતો.

પગમાં ફ્રેકચર થયુ છે તે પોલીસ ઈન્સ્પેકટર ચાવડા અને આરોપી નરેશને વી.એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓને ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભટ્ટે જણાવ્યું, 'ભજનલાલ ૧૨૫ સભ્યોની ગેંગ ચલાવે છે અને તેનું નેટવર્ક મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશમાં છે. તે લોકો SUV ચોરવામાં એકસપર્ટ છે. ચાવડા અને તેમની ટીમે બહાદુરી બતાવી છે. હું તેમનું નામ વીરતા પુરસ્કાર માટે સૂચવીશ.'(૨૧.૮)

(10:00 am IST)
  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • તાપી જીલ્લામાં બંધની અસર નહિવત્: શાળા બંધના એલાનમાં વાલીમંડળનું સમર્થન નહિં : જીલ્લાની તમામ શાળા રાબેતા મુજબ ચાલુ access_time 2:14 pm IST