Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અમદાવાદ જિલ્લામાં બે જ વર્ષમાં ૯૩ હજારને નોકરી

શ્રમ અને રોજગારમંત્રી દ્વારા ગૃહમાં દાવો કરાયો : રોજગાર ઇચ્છુક ઉમેદવારના નામ નોંધણીની પ્રક્રિયા જારી

અમદાવાદ,તા.૧૧ :  વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૯૩,૪૬૫ યુવાનોને રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રોજગાર કચેરી ખાતે રોજગાર વાંચ્છુઉમેદવારોની નામ નોંધણી, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, કારકિર્દી માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ છે. લાઇવ રજિસ્ટર મુજબ અમદાવાદ જિલ્લામાં ૪૪,૩૮૪ રોજગારવાંચ્છુ નોંધાયેલા છે. રોજગારવાંચ્છુ ઉમદવારોને કૌશલ્ય મુજબ રોજગારી મળી રહે તે માટે રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓને એક મંચ પર એકત્રિત કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં ૮૬ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧,૦૦૩ નોકરી દાતાઓ થકી કુલ ૩૩,૬૫૯ ઉમદવારોની પસંદગી કરી કૌશલ્ય મુજબ રોજગારી આપવામાં આવી છે.

               લશ્કર અને અર્ધલશ્કરી દળોમાં ગુજરાતના યુવાનો વધુ સંખ્યામાં જોડાઇ શકે તે હેતુથી પૂર્વ સંરક્ષણ નિવાસ તાલીમ યોજના થકી ઉમેદવારોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી માટે છેલ્લાં બે વર્ષમાં ૨૫૬ ઉમદવારોને તાલીમ આપવામાં આવી છે. મંત્રીએ તેમના પ્રત્યુત્તરમાં એમ પણ ઉમર્યું કે, વિદેશમાં અભ્યાસ કરવા અને રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે અમદાવાદ, વડોદરા તથા રાજકોટ ખાતે વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ઓવરસીઝ સેન્ટર, અમદાવાદ અને મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના સંયુકત ઉપક્રમે છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ જિલ્લાની શાળા-કોલજોમાં ૧૭૮ સેમિનાર યોજી ૪૧,૦૨૭ ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.  અમદાવાદ જિલ્લામાં કેરિયર કાઉન્સેલિંગ થકી ૫,૯૪૮ ઉમદવારોને કાઉન્સેલિંગની સેવા તથા ૩૨,૪૬૨ ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શનની સેવા પૂરી પાડવામાં આવી છે.

(10:01 pm IST)