Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સ્વર્ગસ્થ હરેન પંડયા, અશોક ભટ્ટ અને પ્રધાનો નિર્દોષ રહ્યા

નાણાવટી રિપોર્ટમાં મંત્રીઓ-પોલીસને ક્લીનચીટ : તપાસ પંચે ત્રણેયની સામે કરાયેલા આક્ષેપો તદ્ન વાહિયાત

અમદાવાદ, તા.૧૧ : ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાણાવટી કમીશનના રિપોર્ટના તારણોમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અમદાવાદ શહેરમાં થયેલ તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહ મંત્રી સ્વ. શ્રી હરેનભાઇ પંડયા અને પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટને તપાસ પંચ દ્વારા કલીનચિટ આપવામાં આવી છે. તો, પૂર્વ મંત્રી સ્વ.અશોક ભટ્ટને પણ પંચે કલીનચિટ્ આપી છે. પંચે તેના તારણોમાં, આ ત્રણેયની વિરૂધ્ધ કરાયેલા આક્ષેપો તદ્ન વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે. તો, ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા અપાયેલ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે સ્વ. જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલુ પૂર્વગ્રહ ભર્યુ ન હતું. ગૃહરાજયમંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, કમીશન દ્વારા સમગ્ર ઘટનાની તપાસમાં મુખ્ય બે મુદ્દા હતા.

                  જેમાં ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય સભ્યો, પોલીસ અધિકારીઓ, અન્ય વ્યક્તિ અને અન્ય સંસ્થાઓએ ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક તેમજ ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રી, પોલીસ અધિકારીઓ પૈકી રાજકીય અને બિન રાજકીય સંસ્થાઓએ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ, રાહત અને સહાય પૂરી પાડવામાં તેમજ વખતો વખત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આપેલ ભલામણો અને સૂચનાઓ પરત્વે ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંકનો સમાવેશ થતો હતો. સ્વ. હરેનભાઇ પંડ્યા સામે એવો આક્ષેપ કરાયો હતો કે, તેમના દ્વારા મુસ્લીમોના મકાનો પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ આક્ષેપ એફ.આઇ.આર.-સ્ટેટમેન્ટ આપ્યા બાદ બે માસ પછી કરવામાં આવી છે. આ આક્ષેપ આધારભૂત માહિતી-વિગતો વગરનો હોઇ તપાસપંચે સ્વીકારેલ નથી. વળી, નરોડા પાટીયા વિસ્તારના બનાવોમાં વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ૫,૦૦૦ થી ૭,૦૦૦ માણસોના ટોળાને ઉશ્કેરીને મુસ્લીમો ઉપર હુમલો કરાવ્યો છે, તેવી ફરીયાદ હતી.

                     જે બાબત ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને ટ્રાયલ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા સુપ્રીમકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આથી આ બનાવ સંદર્ભે આરોપીઓ સામે કોઇપણ પ્રકારનું તારણ કરવું કમિશને ઉચિત ન હોવાનુ જણાવ્યું છે. નરોડા ગામનો બનાવ ન્યાયિક અદાલતની ચકાસણી હેઠળ હોઇ, આ આગેવાનોની સંડોવણી માટે કમીશને અભિપ્રાય આપવો યોગ્ય જણાયો નથી. અન્ય એક આક્ષેપ હતો કે તત્કાલીન આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના પરામર્શમાં ગોધરા બનાવમાં માર્યા ગયેલા ૫૮ વ્યક્તિઓનું રેલ્વે યાર્ડમાં કોઇ પણ અનુભવી ન હોય તેવા ડૉક્ટરના હાથે કાયદાની વિરુધ્ધ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. જો કે રેલ્વે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય અશોક ભટ્ટનો ન હતો, પરંતુ આ અંગેનો નિર્ણય સ્થાનિક અધિકારીનો હતો અને પોસ્ટમોર્ટમ ક્વોલિફાઇડ ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસપંચનુ સ્પષ્ટ તારણ છે. એટલે કે આ આક્ષેપો પણ તદ્દન પાયાવિહોણા છે.

                     શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી દ્વારા ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલ્વે કોચ નં. એસ-૬માં અનઅધિકૃત પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં કમીશનનું તારણ એવુ છે કે મુખ્યમંત્રીશ્રીના પ્રવેશનો હેતુ જુદો હતો, નહી કે પુરાવાનો નાશ કરવાનો. વળી,તત્કાલિન પોલીસ કમિશનરે પોલીસ મહાનિર્દેશકને પત્ર પાઠવીને જણાવ્યુ હતું કે, પૂર્વ મંત્રી શ્રી ભરત બારોટે તા.૧૫-૦૪-૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર હિંસા કરવા માટે ટોળાને ઉશ્કેરેલ હોઇ, શ્રી બારોટ સામે પગલા ભરવા જોઇએ. પરંતુ, સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવેલ નથી તેવો આક્ષેપ હતો. કમીશને કરેલી તપાસમાં બહાર આવેલ હકીકત એ છે કે, રમખાણો સમયે મંત્રીશ્રી અને પાર્ટી કાર્યકરોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ટાળવી જોઇએ. શ્રી બારોટ દ્વારા તા. ૧૫-૦૪-૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર ટોળાને ઉશ્કેરણી કરેલ છે તેવું પોલીસ કમિશનરે જણાવેલ નથી. જેના કારણે સરકારે શ્રી બારોટ સામે કોઇ પગલાં ભરવાના રહેતા નથી. સરકાર અને બારોટ સામે કરવામાં આવેલ આક્ષેપો ખોટા જણાય છે.

(8:38 pm IST)