Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બંધનું એલાન સરકાર પ્રેરિત હોવાનો તપાસ પંચનો ઇન્કાર

બંધ મુદ્દે સરકાર પર થયેલા આક્ષેપો ખોટા : ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા : મુખ્યમંત્રીની એ વખતે ગોધરાની મુલાકાત ખાનગી નહોતી

અમદાવાદ, તા.૧૧ : ગૃહરાજયમંત્રીએ એ મહત્વના મુદ્દે પણ પ્રકાશ પાડયો હતો કે, તપાસ પંચે તેના તારણોમાં એ પણ સ્પષ્ટ કરી નાંખ્યું છે કે, ગુજરાત બંધનું એ વખતે એલાન રાજય સરકારે આપ્યુ ન હતુ કે, સરકારની પાર્ટી દ્વારા તેને સમર્થન પણ ન હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૨૮-૦૨-૨૦૦૨ના રોજ આપવામાં આવેલ ગુજરાત બંધના એલાનને મુખ્યમંત્રીશ્રીની પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવેલ હતુ અને લઘુમતી કોમ સામે હિંસા ભડકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ હતો. જે કમીશને ગ્રાહ્ય રાખેલ નથી. કારણ કે બંધ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યુ હતું. જેની જાણ મુખ્ય મંત્રી તેમજ બીજા મંત્રીશ્રીઓને પાછળથી થઇ હતી. રાજય સરકાર અથવા મુખ્યમંત્રીશ્રી કે મંત્રીશ્રીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું ન હતું. તા.૨૮-૦૨-૨૦૦૨ના રોજ રસ્તા પર સરકારી બસો ફરતી હતી અને બસો ઉપર રસ્તા ઉપર ભેગા થયેલ ટોળા દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.

               આ જ દર્શાવે છે કે, સરકારે બંધનું સમર્થન કર્યુ નથી. સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંઓથી સ્પષ્ટ થાય છે કે, આ આક્ષેપો પણ સત્યથી વેગળા છે. તેમણે ઉમેર્યું કે, એનજીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ગોધરા બનાવ અંગે મહદઅંશે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મંત્રીઓ જવાબદાર છે. તે પૈકીના કેટલાંક આક્ષેપોમાં એક આક્ષેપ હતો કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તા.૨૭-૦૨-૨૦૦૨ના રોજ કોઇ પણ અધિકારીને જાણ કર્યા સિવાય ગાંધીનગર છોડીને રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જો કે કમિશને આ સંજોગોની ચકાસણી કરતા આક્ષેપો પાયા વગરના જણાયા છે. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવાસની જાણ બધા સિનિયર અધિકારીને કરવાની હોતી નથી. પરંતુ ઉપરોકત કિસ્સામાં પ્રવાસની વ્યવસ્થા કરનારને અધિકારીઓની

જાણ હતી. મુખ્યમંત્રીશ્રીની ગોધરા જવાની બાબત ખાનગી ન હતી. તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલવે કોચ નં.જી-૬માં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યાનો આક્ષેપ હતો. જેમાં કમીશનનું તારણ છે કે, મુખ્યમંત્રીના પ્રવેશનો હેતુ જુદો હતો નહીં કે પુરાવાનો નાશ કરવાનો. મુખ્યમંત્રીની મુલાકાતને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે એમ ગૃહરાજયમંત્રીએ ઉમેર્યું હતું.

(8:30 pm IST)