Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આણંદ પોલીસે 30 કિલો ગાંજો સાથે ત્રણને ઝડપ્યા

આણંદ:  જિલ્લા ટ્રાફિક પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે કિંખલોડ-ગંભીરા રોડ ઉપર આવેલ બીલપાડ ગામ નજીક ગુપ્ત વોચ ગોઠવીને ૩૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ્લે રૂા..૩૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી નાર્કોટીક્સ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન નશીલા દ્રવ્યોની હેરાફેરીનું મસમોટુ રેકેટ બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે કિંખલોડ-ગંભીરા રોડ ઉપર વાહનચેકીંગ કરી રહી હતી. દરમ્યાન ગંભીરા તરફથી એક કાર આવી ચઢતા પોલીસે તેને શંકાના આધારે અટકાવી હતી. પોલીસે કારની તલાશી લેતાં ડીકીમાં મુકેલ એક કોથળો મળી આવ્યો હતો. જેની તપાસ કરતા અંદરથી ભુખરા કલરનો વનસ્પતિજન્ય ભેજવાળો ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે તુરંત ઉચ્ચ અધિકારીઓ સહિત એફએસએલને જાણ કરતા એફએસએલના અધિકારીઓ નાર્કો કીટ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પકડાયેલ ભુખરા કલરના પદાર્થની ખાત્રી કરતા તે ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું. જેનું વજન કરતા ૩૦.૩૦૦ કિગ્રા હોવાનું માલુમ પડયું હતું. જેની અંદાજિત કિંમત રૂા..૦૩ લાખ થવા જાય છે.પોલીસે પકડાયેલ શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે મહંમદઈર્ષાદ ફારૂકમીંયા મલેક (રહે.નડીયાદ), સલીમ ઉર્ફે લલ્લન અહેમદભાઈ પઠાણ (રહે.નડીયાદ) તથા બિસ્મીલ્લાહખાન પઠાણ (રહે.મહુધા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેઓની અંગજડતી લેતા તેઓની પાસેથી મોબાઈલ ફોન તેમજ રોકડા રૂા.૨૫,૨૫૦ મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્શોની અટકાયત કરી કુલ્લે રૂા.,૩૩,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ એનડીપીએસ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આંકલાવ પોલીસના હવાલે કર્યા છે. પોલીસે તેઓની પ્રાથમિક પુછપરછ કરતા ગાંજાનો જથ્થો તેઓ જમ્મુસરથી લાવ્યા હતા અને નડિયાદ ખાતે લઈ જવાના હોવાનું ખુલવા પામ્યું છે. આંકલાવ પોલીસે ઉક્ત તમામ ત્રણ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(5:41 pm IST)