Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કડીના વડપુરા ગામની સીમમાં પ્રદુષિત પાણીના યોગ્ય નિકાલ માટે ફરિયાદ

કડી: તાલુકાના વડપુરા ગામની સીમમાં એક ફૂડ પ્રોડક્ટસ બનાવતી કંપની દ્વારા દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ગામની હદમાં છોડવામાં આવતા મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ પેદા થયો છે. જેના લીધે શાળામાં અભ્યાસ કરતા બાળકોને જમવા તથા ભણવામાં ભારે પરેશાની વેઠવી પડે છે. આ મામલે શાળાના આચાર્ય, ગામના સરપંચ અને સદસ્યોએ મામલતદાર કડીને યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે.કડી તાલુકાનું છેવાડાનું તેમજ ગોકુળીયું ગામનું બિરુદ પામેલા વડપુરા જવાના માર્ગ ઉપર ગણેશપુરા નજીક આવેલી ફુડ કંપની દ્વારા રાત્રિ દરમિયાન છોડવામાં આવતા ગેસ તેમજ કંપનીના દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીના કારણે છેલ્લા કેટલાય સમયથી કંપની વિરુધ્ધ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે. ત્યારે ગ્રામજનો દ્વારા મૌખિક તેમજ લેખિતની વારંવાર રજુઆત કરવા છતાં પણ કંપની દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા સોમવારના રોજ ગ્રામજનો દ્વારા લેખિતમાં મામલતદાર, પ્રદૂષમ બોર્ડ, કલેક્ટર કચેરી, આરોગ્ય ખાતા સહિતના સંબંધિત તંત્રને રજુઆત કરવામાં આવતા મંગળવારના રોજ પ્રદૂષમ બોર્ડે તેમજ આરોગ્ય ખાતા દ્વારા ગ્રામજનો તેમજ કંપનીના મકાનની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે છેલ્લા દિવાળી સમય બાદથી ગામમાં કંપનીની ગંદા પાણીના કારણે માખીઓનું સામ્રાજ્ય વહેલી સવારે તેમજ આખો દિવસ જોવા મળે છે.જ્યારે માખી સહિત ધૂમાડાના પ્રદૂષમને કારણે નાના બાળકો સહિત વૃધ્ધોના આરોગ્ય સામે ખતરો મંડાયો છે ત્યારે ગ્રામજનોની લેખિત રજુઆતના પગલે કડી બ્લોક હેલ્થ ઓફિસર, પ્રદૂષણ બોર્ડના મયુરીબેન સહિતનો સ્ટાફ મુલાકાત લેવામાં આવી હતી. તો બીજી તરફ સરકારી તંત્ર દ્વારા કંપની જોડે પ્રદૂષણ મુદ્દે નરમ વલણ અપનાવવામાં આવતું હોવાની ચર્ચા જાગી છે ત્યારે કુંભ કર્ણની નિદ્રા પોઢતા સરકારી બાબુઓ દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે ખતરો મંડાય તે પુર્વે અસરકારક પગલા ભરવાની માંગ ઉઠવા પામી છે.

(5:38 pm IST)