Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અમદાવાદની સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મુક-બધીર બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતગાર કરાયા

અમદાવાદ : મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાતની સ્થિતી છેલ્લા થોડા સમયમાં કથળી હોય તે પ્રકારે દુષ્કર્મનાં એક પછી એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ વધારે સુરક્ષીત બને તે માટે પોલીસ વિભાગ ન માત્ર પેટ્રોલિંગ વધારીને પરંતુ અન્ય અનેક રસ્તાઓ દ્વારા મહિલાઓ સુરક્ષીત અનુભુતી કરે તેવા પ્રયાસો કરી રહ્યો છે. જેમાં સેલ્ફ ડિફેન્સ અંગે યુવતીઓને જાગૃત કરવાથી માંડીને રાત્રે વિકટ સ્થિતીમાં તેને ઘરે મુકી આવવા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

જો કે આ તમામ વચ્ચે મુક બધીર યુવતી અને બાળકોને પણ કોઇ પ્રકારનો અન્યાય નથી થઇ રહ્યો અથવા તો શું તેમનામાં પણ સામાન્ય યુવતીઓ જેટલી જાગૃતતા છે અથવા તેમને કોઇ સમસ્યા થઇ રહી છે તે તપાસ માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મુક બધીર શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે મહિલા જાગૃતી અંગેની સમજ આપવામાં આવી હતી. ગુડ ટચ અને બેડ ટચ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

 આ ઉપરાંત કોઇ વિકટ સ્થિતીમાં મહિલા હેલ્પ લાઇન 1091 અને બાળકો માટેનાં 181 હેલ્પ લાઇન નંબર અંગે જણાવવામાં આવ્યું હતું. કઇ રીતે તેઓ પોલીસને જાણ કરી શકે અને પોલીસ તેમની કઇ રીતે મદદ કરશે તે અંગેની તમામ માહિપી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં મુક બધીર વ્યક્તિને ઘણી અડચપણ પડતી હોય છે. તેવી સ્થિતીમાં બોર્ડ પર લખીને તમામ માહિતી સમજાવવામાં આવી હતી. પોલીસનાં મિત્રતા પુર્ણ વ્યવહારથી હાજર તમામ બાળકો યુવતીઓમાં અનોખો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

(5:05 pm IST)