Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મહિલા સુરક્ષા મુદ્દે સુરત પોલીસનું સરાહનીય પગલુઃ રાત્રે મહિલાઓને ઘર સુધી પહોંચાડવા મદદ કરશે

સુરત :મહિલાઓની સુરક્ષા મુદ્દે સુરત પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે. સુરત શહેર પોલીસ મહિલાઓની મદદ કરશે અને મુશ્કેલી સમયે મહિલાઓને આ મદદ મળશે. રાત્રે 12 થી સવારે 6 વાગ્યા દરમિયાન જરૂર પડ્યે મહિલાઓને સુરત પોલીસ તેમના ઘર સુધી મૂકી જશે. આ માટે મહિલાઓને 100 નંબર (Control room) પર ફોન કરી મદદ માંગવાની રહેશે.

સુરત પોલીસ મહિલાને ઘરે પહોંચાડશે

તેલંગાણાના હૈદરાબાદ, ઉન્નાવ રેપ કેપ, નિર્ભયા રેપ કેસ, રાજકોટ બાળકી સાથે દુષ્કર્મ, વડોદરા સગીરા ગેંગરેપ... વગેરે જેવા એક પછી એક કિસ્સાઓ બાદ ભારતમાં મહિલા સલામતીનો મુદ્દો ઉઠ્યો છે. આ તમામ ઘટનાઓ સમસમી જવાય તેવી છે. ત્યારે આવા જઘન્ય અપરાધોનું પુનરાવર્તન ન થાય તે જોવુ મહત્વનું છે. ત્યારે મહિલા સલામતી મામલે સુરત પોલીસે અનોખી પહેલ કરે છે. સુરત પોલીસે નિર્ણય લીધો કે, રાત્રે કોઈ મહિલાનું વ્હીકલ બગડે અથવા અન્ય આકસ્મિક સંજોગો ઉપસ્થિત થાય તો એકદલ-દોકલ મહિલાઓને સુરત પોલીસ સલામત રીતે ઘરે પહોંચાડશે. મહિલાના ઘરના દરવાજા સુધી પોલીસ તેઓને સુરક્ષિત રીતે પહોંચાડશે.

મહિલાઓએ 100 નંબર પર ફોન કરવાનો રહેશે

આજકાલ કામકાજના અર્થે મહિલાઓને ઘરની બહાર રહેવુ પડે છે. ત્યારે રાતના અંધારામાં મહિલાઓની એકલતાનો લાભ હવસખોરો ઉઠાવે છે. હૈદરાબાદની ઘટના પણ મહિલાની ગાડી બગડી ગયા બાદ જ બની હતી. આવામાં મહિલાઓ સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જો અડધી રાત્રે મહિલા કોઈ મુસીબતમાં ફસાશે, અથવા તો તેની સલામતીનો પ્રશ્ન હશે તો સુરત પોલીસ તાત્કાલિક તેની મદદ દેડશે. આ માટે મહિલાઓને પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરવાનો રહેશે.

રાત્રે 12 થી 6 સુધી ફોન કરી શકાશે

સુરત પોલીસે જણાવ્યું કે, મહિલાઓ માટે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી સુરક્ષા માટે પોલીસને ફોન કરવાનુ સૂચવવામાં આવ્યું છે. આ સમયે અંધારું હોય છે. મહિલાઓએ કન્ટ્રોલ રૂમ પર પોતાના લોકેશનની જાણ કરવાની રહેશે. ત્યારે પોલીસ મોબાઈલ વાન મહિલાનો સંપર્ક કરીને તેને તેના ઘર સુધી પહોંચાડી દેશે.

(5:03 pm IST)