Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અમદાવાદ મ્યુનિ. ‌કમિશ્નર વિજય નેહરા અને ભાજપના શાસકો વચ્ચેનો વિવાદ વધુ ગરમાયોઃ અહેવાલ માંગતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ

અમદાવાદ:  મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા અને ભાજપના શાષકો વચ્ચેનો વિવાદ વધુ ગરમાઇ રહ્યો છે. ગઇકાલે સર્જાયેલા વિવાદમાં ભાજપી શાષકો ખુલીને કમિશ્નર સામે આવી ગયા છે. ત્યારે ગઇકાલે ભાજપી શાષકોએ સમગ્ર મામલાની પક્ષ અને સરકાર બન્નેમાં રજૂઆત કરી હતી. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી મેળવી હોવાનુ સામે આવ્યુ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલના વિવાદ અને તે બાદ ભાજપી સભ્યોએ કરેલી ફરીયાદમાં કેટલુ તથ્ય છે, તે જાણવા પોતાના અંગત માણસો પાસેથી માહિતી મેળવી છે.

આ મામલે નજીકના સમયમાં કોઇ નિર્ણય લેવાઇ જશે એમ જાણવા મળી રહ્યુ છે. નોંધનીય છેકે મ્યુનિસિપલ કમિશ્નર અને ભાજપી શાષકો વચ્ચેનો વિવાદ હવે એટલો વધી ગયો છે કે ભાજપના શાષકો કમિશ્નરની કોઇપણ હિસાબે બદલી કરાવવા સક્રીય થયા છે. ત્યારે જોવાનુ રહે છેકે આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી રહી ચૂંટણી પહેલા મ્યુનિસિપલ કમિશ્નરની બદલી કરવાનો નિર્ણય લેવાય છે કે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર્સનો આરોપ છે કે કમિશ્નર તેમનું સાંભળતા નથી અને કોઇ પણ કામ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેતા નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશમાં વહીવટી તંત્ર અને શાષક પક્ષ વચ્ચે ચાલતો આંતરીક ખટરાગ સપાટી પર આવી ગયો હતો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોલન ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમીક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશ્નરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો. આ સમગ્ર મુદ્દો વિવાદિત બનતા અને મીડિયામાં ચગ્યા બાદ ગૃહમંત્રીએ સ્વયં સંજ્ઞાન લીધું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

(5:01 pm IST)