Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પોલીસ તંત્ર માટે રવિવાર ગૌરવવંતો બનશેઃ ગુજરાતને અલગ ધ્વજ મળશે

વડાપ્રધાન-કેન્દ્રીય ગૃહમંત્રી સહિતની ઉચ્ચકક્ષાની કમીટીની ચકાસણી બાદ રાષ્ટ્રપતિ દ્વારા લીલીઝંડી મળતા રાજય પોલીસ તંત્રમાં હરખની હેલી : ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં અર્પણઃ મુખ્યમંત્રી-રાજયપાલ સહિત ટોચના અધિકારીઓ આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે

રાજકોટ, તા., ૧૧: ગુજરાત પોલીસ તંત્રના ઇતિહાસમાં ૧પ મી ડિસેમ્બર અને રવિવારનો દિવસ ગૌરવવંતો બનનાર છે. આ દિવસે ઉપરાષ્ટ્રપતિ હાજર રહી ગુજરાતને પોતાની આગવી ઓળખ સમું  નિશાંત (પ્રેસીડેન્ટ કલર) નિશાંત એક અલગથી વિશિષ્ટ ફલેટ ફાળવશે. આ ગૌરવવંતા સમાચાર ખુદ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોતાના ટવીટર દ્વારા અપાતા રાજયભરના  ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓમાં હર્ષની સાથોસાથ ગૌરવની લાગણી ફેલાવા પામી છે. આવુ ગૌરવ મેળવવામાં દેશમાં ગુજરાત ૧૧મું રાજય બન્યાનું રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગૌરવભેર અકિલા સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું.

હવેથી રાષ્ટ્રધ્વજની સાથે પોલીસનો ખાસ આકર્ષક ડિઝાઇનવાળો ધ્વજ લહેરાશે. પોલીસ અધિકારીઓ પણ પોતાના ડાબા ખભ્ભા પર આવુ નિશાંત (નિશાન) ગૌરવભેર  લગાડી શકશે તેવું પણ શિવાનંદ ઝાએ હર્ષભેર જણાવ્યું હતું.

આવુ ગૌરવ પ્રાપ્ત કરવુ સહેલુ હોતુ નથી જે રાજયએ પ્રસંશનીય કામગીરી કરી હોય તેવા રાજય દ્વારા આવા ધ્વજ અને નિશાન માટે રાષ્ટ્રપતિને  દરખાસ્ત કરવાની હોય છે. આવી દરખાસ્ત રાષ્ટ્રપતિ મંજુર કરે તે પહેલા ઉચ્ચ કક્ષાની કમીટી જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય હોમ મીનીસ્ટર સહીતના ઉચ્ચ કક્ષાના  અધિકારીઓ સામેલ હોય છે.  તેઓ દ્વારા કડક ચકાસણી કરી દરખાસ્ત રાષ્ટ્રપતિ તરફ મોકલવામાં આવે છે.  ત્યાર બાદ જ રાષ્ટ્રપતિની લીલીઝંડી મળે છે.  એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતને આવી લીલીઝંડી મળી ચુકી છે અને ગુજરાતને આ ગૌરવ પ્રદાન કરવા ૧પ મી ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવી રહયા છે. એક ભવ્ય સમારોહમાં આવુ ગૌરવ અર્પણ કરવામાં આવશે. સૂત્રોના કથન મુજબ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી,  એડીશ્નલ ચીફ સેક્રેટરી, હોમ તથા રાજય પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ રાજયના પોલીસ વડાની રાહબરી હેઠળ ઉપસ્થિત રહી આ ગૌરવભરી ક્ષણના સાક્ષી બનનાર છે.

(1:05 pm IST)