Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નોટબંધી-જીએસટીના કારણે ૪ લાખ ઉદ્યોગોને તાળા-૪૦ લાખ લોકો બેકારઃ પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધ પક્ષના નેતાના પ્રહારો

રાજકોટ તા.૧૧: કેન્દ્રની ભાજપ સરકારે એક દેશ-એક ટેકસના નામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)નો કાયદો અણધડ રીતે લાગુ કર્યો અને નોટબંધીના આત્મઘાતી પગલાંને કારણે રાજયના ચાર લાખથી વધુ નાના-મધ્યમ ઉદ્યોગને તાળા લાગી ગયા અને ૪૦ લાખ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઇ ગયા હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં કર્યો છે.

સરકાર આ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને ગુજરાત ફરીથી દેશનું ગ્રોથ એન્જિન બને તે દિશામાં નક્કર પ્રયાસ કરે એમ તેમણે જણાવ્યું છે. વિધાનસભામાં સરકારે રજૂ કરેલાં GST સુધારા વિધેયકની ચર્ચામાં વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું કે, નોટબંધીના ઇન્જેકશનને કારણે દેશના તંદુરસ્ત અર્થતંત્રનું લોહી ચૂસી લીધું અને બાકી હતું તે GSTએ પુરૃં કર્યુ અને વેપારી વેપારી મટીને કલાર્ક બની ગયો છે.

વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું કે, વન નેશન-વન ટેકસની નીતિની જન્મદાતા કોંગ્રેસ હતી. કોંગ્રેસે જ્યારે આ નીતિ લાગુ કરવાનું એલાન કર્યુ ત્યારે ગુજરાત સરકારે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્રમાં ભાજપના વડપણમાં સરકાર બની ત્યારે આ જ નીતિનો અમલ થયો, છતાં કોંગ્રેસે રાજ્યના વેપાર-ધંધાના હિતમાં સરકારને સમર્થન આપ્યું, પરંતુ ભાજપે લાગુ કરેલાં GST કાયદાને કારણે રાજ્યના લધુ-મધ્ધમ ઉદ્યોગ ઠપ થઇ ગયા છે. આજે રાજ્યનો ટેકસ્ટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ, પ્લાસ્ટિક, સિરામિક, કેમિકલ સહિતના મોટા હોય કે નાના ઉદ્યોગો GSTને કારણે ભારે પરેશાની વેઠી રહ્યા છે. વેપારી કે ઉદ્યોગકારોને વેપાર કે નફો કમાવાને બદલે GSTના ફોર્મ ભરવાની ચિંતા વધુ સતાવી રહી છે. દિવાળીના દિવસે વેપારીને 'બોણી' ન થાય તેવા દિવસો જોવાનો વારો આ GST ના અણઘડ અમલને કારણે આવ્યો છે. વેપારીઓ ચોર નથી, તેનો વેપાર - ધંધો વધે અને આવક વધે તો રાજ્યની કરઆવકમાં પણ વધારો થશે, પરંતુ જે રીતે GSTનો કાયદો લાગુ કરવામાં આવ્યો તેનાથી વેપારીઓની સરળતાને બદલે ઝંઝટમાં વધારો થયો છે. વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. વેપારી સતત GSTને લગતું કોઇ ફોર્મ ભરવાનું રહી જાય તો આવક કરતાં વધુ પેનલ્ટી ભરવી પડશે તેવી દહેશતમાં જીવી રહ્યો છે.

(11:38 am IST)
  • ભડકાઉ કલીપ મુદ્દે વધુ એક ફરિયાદ:મુંદરા મરીન પોલીસ મથકે નોંધાયો ગુનો:સાડાઉના શખ્સ સામે નોંધાઈ ફોજદારી: નલિયાના ગુનાનો આરોપી ઝડપાયો:એલસીબીએ હળવદથી કરી ધરપકડ access_time 1:36 am IST

  • કેન્દ્ર સરકારને મોટી રાહત : રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પર મતદાન : બિલને સિલેકટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રદ : શિવસેનાનો વોકઆઉટ : બિલને સિલેક્ટ સમિતિ પાસે મોકલવાના વિરુદ્ધમાં 124 મત અને સમર્થનમાં 99 મત પડ્યા : access_time 8:35 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST