Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બીજા દિને કમોસમી વરસાદ

વેરાવળમાં કમોસમી ઝાપટાના કારણે ખેડૂત ચિંતિત : વાદળો વિખરાય બાદ અને માવઠાનું વાતાવરણ દૂર થયા બાદ ઠંડી વધવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ

અમદાવાદ, તા.૧૧ : સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતા કમોસમી વરસાદનો માહોલ જોઇ સ્થાનિક ખેડૂતો ચિંતામાં પડી ગયા હતા. છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાના માહોલને લઇ ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર કમોસમી વરસાદથી નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જામનગરના સમગ્ર હાલારના દરિયાઈ પટ્ટી પર આવેલ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ ગઇકાલે અચાનક પલટો આવ્યો હતો. એકાએક વરસાદી વાતાવરણ રચાયા બાદ ઓખા મંડળના ઓખાથી દ્વારકા સુધીના દરિયાઈ પટ્ટીમાં ગઇકાલે સવારે માવઠું વરસ્યું હતું. જયારે અન્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આ સ્થિતિ રહેશે એમ આગાહી કરી છે. વાતાવરણના પલટા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણભૂત ગણવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળ વિસ્તારની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં કમોસમી બંધાયેલા વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મીઠાપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ હાલારના જામનગર અને દ્વારકા જીલ્લાની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો હતો. આ માહોલ હજુ પણ યથાવત છે. ત્યારે મીઠાપુર ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું. પશ્ચિમી પવનોની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જીવંત થયુ છે, જેની અસર અરબી સમુદ્ર પરથી વાતા પવનને થઇ છે. આવી પરિસ્થિતિના કારણે આગામી બે દિવસ સુધી રાજ્યના દરિયાઈ પટ્ટીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિચિત્ર વાતાવરણના કારણે સ્થાયી ઋતુ પર અસર પડતા જામી રહેલ શિયાળાની ઠંડી ઓછી થવા પામી છે, જો કે આ હવામાન વિખેરાઈ ગયા બાદ ઠંડી વધશે એવી આગાહી પણ હવામાન વિભાગે કરી હતી. બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું. ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડિગ્રી વચ્ચેનો ઘટાડો થઇ શકે છે. આજે અમદાવાદ લઘુત્તમ તાપમાન ૧૪.૪, ગાંધીનગરમાં ૧૩.૨ અને વલસાડમાં ૧૧.૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૪.૪

ડિસા

૧૫.૯

ગાંધીનગર

૧૩.૨

વીવીનગર

૧૬.૭

વડોદરા

૧૪

સુરત

૧૬.૬

વલસાડ

૧૧.૧

અમરેલી

૧૭.૩

પોરબંદર

૨૦

રાજકોટ

૧૮

સુરેન્દ્રનગર

૨૦.૨

મહુવા

૧૭.૧

ભુજ

૧૮.૬

નલિયા

૧૫.૪

કંડલા પોર્ટ

૧૯

કંડલા એરપોર્ટ

૧૭.૯

 

(9:44 pm IST)