Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રિજનલ આઉટરીચ બ્યુરોના ઓફિસર લાંચ લેતા પકડાયા

અમદાવાદના જાદુગરે અધિકારીનો ખેલ પાડયો : જાદુના ખેલ કરતાં જાદુગરે વાસ્તવિક જીવનમાં પણ વર્ગ-૧ અધિકારીને એસીબી ટ્રેપમાં ફસાવીને ખેલ પાડી દીધો

અમદાવાદ, તા.૧૧ : જાદુના નાના-મોટા ખેલ કરી લોકોને મનોરંજન પુરૂ પાડતા એક જાદુગરે વાસ્તવિક જીવનમાં વર્ગ-૧નાં અધિકારીને લાંચ લેતાં પકડાવી દઈ મોટો ખેલ પાડી દીધો છે. આ બનાવને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. આ જાદુગરે તેની કલાના રજીસ્ટ્રેશન માટે પણ રૂપિયા માંગવામાં આવતા એસીબીની મદદથી લાંચિયા અધિકારીને જ હથકડી પહેરાવી દીધી છે. જેમાં એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) દ્વારા અમદાવાદમાં કરવામાં આવેલી એક ટ્રેપમાં રીઝનલ આઉટરીચ બ્યૂરોના ડાયરેક્ટર રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં એક જાદુગરે કલાકાર તરીકે નવા રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભર્યું હતું. તેમાં નોટિસના આધારે ઓડીશનમાં સિલેક્ટ થવા માટે રીઝનલ આઉટરીચ બ્યૂરોના ડાયરેક્ટર મનીષ રામપ્રસાદ ગૌતમ દ્વારા રૂપિયા ૨૦,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. આથી આ જાદુગરે એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. અમદાવાદમાં નહેરૂ નગર સર્કલ પાસે આવેલા રીઝનલ આઉટરીચ બ્યૂરોમાં ગઈકાલે ટ્રેપ કરવામાં આવી હતી. અહીં વર્ગ-૧ના અધિકારી રીઝનલ આઉટરીચ બ્યૂરોના ડાયરેક્ટર મનીષ રામપ્રસાદ ગૌતમ જાદુગર પાસેથી રૂપિયા ૨૦૦૦૦ની લાંચ માંગી હતી અને તે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના આર. ટી. ઉદાવત અને તેમની ટીમે આ આરોપીને ઝડપી લઇ રૂપિયા ૨૦,૦૦૦ કબજે લીધા હતા. આ બનાવને પગલે લાંચિયા અધિકારી વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(9:37 pm IST)