Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

એરપોર્ટ ઉપર ટર્મિનલ-૨માં ગેટનો કાચ તોડીને કાર ઘૂસી

એરપોર્ટ પર સુરક્ષા ગાબડાથી ભારે સનસનાટી મચી : કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં એકઝીટ ગેટનો કાચ તોડી કાર ઘૂસી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨માં આજે અચાનક એક ઇકો કાર ટર્મિનલ-૨ના એકઝીટ ગેટનો કાચ તોડી અંદર ઘૂસી જતાં એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેસેન્જરો સહિત ખુદ એરપોર્ટ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ કર્મચારીઓ પણ આ વિચિત્ર અકસ્માત જોઇ ચોંકી ઉઠયા હતા અને થોડીવાર માટે ગભરાઇ ગયા હતા. બનાવને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા માટે લગાવાયેલી સાયરનો ધણધણી ઉઠી હતી અને તેને લઇ એક તબક્કે ગભરાહટનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે, પોલીસે અને સુરક્ષા જવાનોએ સમગ્ર પરિસ્થિતિ જાણી મામલો થાળે પાડયો હતો. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે,  અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨માં આજે અચાનક એક ઇકો કાર નંબર-જીજે-૦૧-આરવાય-૦૮૫૮ના કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક્ઝિટ ગેટનો કાચ તોડી આર-પાર થઈ ગઈ હતી. કાર અંદર આવી જતા સિક્યોરિટી એજેન્સીમાં પણ દોડધામ મચી હતી.

કાર એકદમ ધડાકાભેર સાથે કાચ સાથે અથડાતાં કાચના ગેટના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને આખી કાર અંદર ઘૂસી ગઇ હતી. જો કે, આ અકસ્માતમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી પરંતુ કારનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. બીજીબાજુ, અકસ્માત જોઇ સ્થળ પર હાજર સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ, જવાનો અને એરપોર્ટ સ્ટાફ કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા અને થોડીવાર માટે તો, આશ્ચર્ય સાથે ગભરાઇ ગયા હતા કે, આ અકસ્માત સર્જાયો કેવી રીતે. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલાની જાણ થતાં આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માતને પગલે સુરક્ષા વ્યવસ્થામાં લગાવાયેલી સાયરનો પણ ધણધણવા લાગી હતી, જેને લઇ પ્રવાસીઓમાં પણ થોડીવાર માટે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, એરપોર્ટ સ્ટાફે જાહેરાત કરી સમગ્ર મામલો થાળે પાડયો હતો. એરપોર્ટ ઓથોરીટીએ ઇકો કારના ચાલક પાસેથી જરૂરી દંડ વસૂલ કરી કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરી હતી.

(8:18 pm IST)