Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગાંધીનગરના કોબા ગામ પાસે 75 વર્ષના કન્‍સ્‍ટ્રકશન મટીરીયલના બિઝનેસમેન કેશવલાલ પટેલની હત્‍યાઃ કારણ અંગે રહસ્‍ય

અમદાવાદ: ગાંધીનગરના કોબા ગામ પાસે રવિવારે 75 વર્ષીય વૃદ્ધની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી. પાટનગરના હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા વિસ્તારની આ ઘટના છે. ઘટનાસ્થળ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે છે. ગાંધીનગર પોલીસને આ મામલે હજુ સુધી કોઈ જ કડી મળી નથી. પોલીસના સૂત્રોના મતે કેશવલાલ પટેલની હત્યા પાછળ સુરક્ષા રેકેટ જવાબદાર હોઈ શકે છે. મૃતક કેશવલાલ કોબામાં પ્રેક્ષા ભારતી આશ્રમ નજીક આવેલા એક પ્લોટમાં કંસ્ટ્રક્શનના મટીયરલનો બિઝનેસ ચલાવતા હતા.

હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા

કેશવલાલના દીકરા મહેન્દ્રએ નોંધાવેલી FIR પ્રમાણે, રવિવારે સવારે ફોન આવ્યો કે તેના પિતા બેભાન અવસ્થામાં તેમના પ્લોટમાં મળી આવ્યા. જ્યારે મહેન્દ્ર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેના પિતાના માથામાંથી લોહી નીકળતું હતું અને સ્ટ્રેચરમાં સૂવાડેલા હતા. મહેન્દ્રને જાણ નહોતી કે તેના પિતા કઈ રીતે ઈજાગ્રસ્ત થયા એટલે તેમને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

10 વર્ષથી કોબામાં કરતા હતા ધંધો

શાહીબાગમાં રહેતા અને નરોડામાં આયર્ન-સ્ટીલની ટ્રેડિંગ કંપની ચલાવતા મહેન્દ્રએ કહ્યું, “મેં પિતાના માથા અને જમણી આંખના નીચેના ભાગમાં ઘા હતા. પોસ્ટમોર્ટમ પછી ડોક્ટર્સે મને જણાવ્યું કે ગોળી વાગવાના કારણે પિતાનું મોત થયું છે.” પોલીસે જણાવ્યું કે, કેશવલાલ છેલ્લા 10 વર્ષથી કોબામાં એક ખુલ્લા પ્લોટમાં સ્ટીલના સળિયા અને કોંક્રિટ વેચતા હતા. કેશવલાલ અને તેમના પત્ની કોબામાં આવેલી રૂપવતી પાર્ક સોસાયટીમાં રહે છે.

પોલીસને હજુ કોઈ સગડ મળ્યા નથી

ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કે.કે. દેસાઈએ કહ્યું, “હજુ સુધી કેસનું કોઈ પગેરું મળ્યું નથી. હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી કે કોઈ અન્ય કારણસર તે પણ જાણી શકાયું નથી.” પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાછળથી કેશવલાલને માથાના ભાગે ગોળી મારવામાં આવી છે. પ્લોટની આસપાસ કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને કોઈ સચોટ પુરાવા હજુ સુધી મળ્યા નથી.

(5:06 pm IST)