Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભાજપને હવે ગુજરાતનું ટેન્શન જસદણમાં ધાર્યું પરિણામ ન આવ્યું તો?

પાંચ રાજ્યોની ચૂંટણીની ગુજરાતમાં અસર?

અમદાવાદ તા. ૧૧ : લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય રહી ગયો છે, ત્યારે આ ચૂંટણીની સેમિફાઈનલ મનાતી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામના ટ્રેન્ડ્સ ભાજપ માટે ચિંતાજનક રહ્યા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ વધી રહી છે, જયારે મધ્ય પ્રદેશમાં હાલના ટ્રેન્ડ્સ અનુસાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

પાંચ રાજયોની ચૂંટણીનાં પરિણામોની અસર ગુજરાત પર કેવી થશે તેની ચિંતા ભાજપના મોવડીમંડળને સતાવી રહી છે. આમ તો દરેક ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ જ હોય છે, પરંતુ જસદણના કિસ્સામાં આ જંગ પ્રતિષ્ઠાથી પણ વિશેષ છે. કોંગ્રેસના બાગી અને ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળિયા જો ચૂંટણી હાર્યા તો ભાજપ માટે તે ફટકો વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૯૯ બેઠકો જીત્યા કરતા પણ વિશેષ હશે.

આ બેઠક છેલ્લી પાંચ ચૂંટણીથી કોંગ્રેસનો ગઢ રહી છે. ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જયારે આખા સૌરાષ્ટ્રમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો હતો ત્યારે ભાજપે જસદણ પણ ગુમાવ્યું જ હતું. ચૂંટણી બાદ પણ ખેડૂતોમાં રહેલો રોષ હજુય ઠંડો નથી પડ્યો, જેની અસર આ પેટાચૂંટણીમાં દેખાઈ શકે છે.

જસદણમાં જો ભાજપની હાર થાય તો મંત્રી બાવળિયાને રાજીનામું આપવું પડે. જો આવું થાય તો ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે જેમાં સત્તામાં રહેલી સરકારના મંત્રીને ચૂંટણી હારતા રાજીનામું આપવું પડ્યું હોય. જસદણના જંગ પછી લોકસભા ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતી હતી. જોકે, મતદારોની નારાજગી વચ્ચે તેનું પુનરાવર્તન કરવું ભાજપને ભારે પડી જાય.

બાવળિયા જસદણ બેઠકનું પાંચ વાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જોકે આ વખતે તેમનો મુકાબલો જસદણમાં તેમના જ એક સમયના ચેલા અવસર નાકિયા સામે છે. કોંગ્રેસનો ગઢ રહેલી જસદણ બેઠકના મતદારો શું કુંવરજી બાવળિયાના ભાજપમાં જવાથી નારાજ છે? તેનો જવાબ ૨૦ ડિસેમ્બરે મળી જશે.

જસદણમાં કોળી મતદારોનું વર્ચસ્વ છે, અને બાવળિયા તેમજ અવસર નાકિયા બંને કોળી સમાજના પ્રતિનિધિ છે. ચૂંટણી જાહેર થઈ તે પછી બાવળિયાના એક અપક્ષ ઉમેદવારને ધમકાવતા ફોન કોલની ઓડિયો કિલપ પણ વાયરલ થઈ હતી, જેનાથી અંદાજ લગાવી શકાય છે કે બાવળિયા આ ચૂંટણીને લઈને કેટલા પ્રેશરમાં છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કોંગ્રેસ મુકત ભારતની વારંવાર વાતો કરે છે, પરંતુ આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટક અને પંજાબ જેવા રાજયોમાં તેને જીત નથી મળી. ગુજરાત જેવા પોતાના ગઢમાં પણ ભાજપે ૧૫૦ બેઠકોના ટાર્ગેટ સામે માત્ર ૯૯ બેઠક જીતી કહેવા પૂરતી જીત મેળવી છે.

(11:30 am IST)