Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભ્રષ્ટાચાર ડામવા ઇન્કમટેક્ષની તમામ પ્રક્રિયા પેપરલેસ, ફેસલેસ

ઇનકમ ટેકસ રિટર્ન, ઓડિટ, નોટીસ, એસેસમેન્ટ, સ્ક્રૂટિની અંગે ખુલાસા ઓનલાઇન જ કરવાના

અમદાવાદ તા. ૧૧ : ઇનકમ ટેકસ રિટર્ન ઓનલાઇન સબમિટ કરવાનું શરૂ કરયા બાદ હવે ઇનકમ ટેકસ વિભાગની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવા નિર્ણય લેવાયો છે. એસેસમેન્ટ વખતે સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘણી વખત કરદાતાને ખોટી રીતે પરેશાન કરાતા હોવાના પ્રશ્નોને લઇને ડિપાર્ટમેન્ટે હવે તમામ પ્રક્રિયા પેપરલેસ અને ફેસલેસ કરી દીધી છે. તેથી હવે માત્ર રિટર્ન જ નહીં, પરંતુ ઓડિટ, નોટિસ, એસેસમેન્ટ અને સ્ક્રૂટિની બધું જ ઓનલાઇન થશે. ડિપાર્ટમેન્ટની કવેરીના ખુલાસા પણ કરદાતા કે તેના એડવાઇઝરે ઇ-મેઇલથી જ કરવાના રહેશે.

ઇનકમ ટેકસ વિભાગને સંપૂર્ણ ભ્રષ્ટાચારમુકત બનાવવા પેપરલેસ અને ફેસલેસ કરી દેવાયો છે. કોઇ પણ કરદાતાના રિટર્નમાં એસેસમેન્ટ અધિકારીને કોઇ કવેરી લાગે તો તે કરદાતાના નોંધાયેલા ઇ-મેઇલ પર કવેરીના મુદ્દા મોકલશે. તેના ડોકયુમેન્ટ કે ખુલાસા પણ કરદાતાએ ઇ-મેઇલથી જ કરવાના રહેશે. જેથી કરદાતા કોઇ પણ ઓફિસરના સંપર્કમાં આવશે નહીં. સાથે સાથે કરદાતાને ઇનકમ ટેકસ ઓફિસના ધક્કામાંથી પણ મુકિત મળી જશે. ઉપરાંત, ડિપાર્ટમેન્ટ દ્વારા દેશના કોઇ પણ શહેરના કરદાતાનું એસેસમેન્ટ દેશના કોઇ પણ ખૂણાનો ઇનકમ ટેકસ ઓફિસર કરી શકે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. પહેલા કરદાતાઓને સ્થાનિક અધિકારીઓ ઓળખતા હોવાથી તેમને વધારાના ડોકયુમેન્ટ રજૂ કરવા અને વારંવાર ઓફિસના ધક્કા ખવડાવી પરેશાન કરતા હોવાની અને ઘણી વખત ભ્રષ્ટાચારની પણ ફરિયદો ઊઠતાં આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત ITની ટીમે ૫૦%થી વધુનો ટાર્ગેટ પૂરો કર્યો

અજય દાસ મેહરોત્રા, PCCIT

ગુજરાત ઇનકમ ટેકસના વડા અજય દાસ મેહરોત્રાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગુજરાતને રૂ. ૫૫,૦૦૦ કરોડનો ટેકસ વસૂલીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે પૈકી લગભગ ૫૦ ટકા એટલેકે ૨૭,૦૦૦ કરોડથી વધુનું ટેકસ કલેકશન થઇ ગયું છે.

પ્રથમ વર્ષે કરદાતાઓને ફાઇનલ લેટર લખાય તો ઘણા પ્રશ્ન ઘટે : ટેકસ એડવોકેટ એસો.

ડિપાર્ટમેન્ટની ફેસલેસ અને પેપરલેસ સિસ્ટમને એસોસિયેશન આવકારે છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ખૂબ લાભદાયી નીવડશે. જોકે, તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવાઇ છે ત્યારે પ્રથમ વર્ષે કરદાતાઓને મેન્યુઅલી શો-કોઝ નોટિસ કે ફાઇનલ નોટિસ મળે તેવી સુવિધા કરવી જરૂરી છે. કેમ કે હજુ સુધી આ સિસ્ટમથી કરદાતા કે તેમના એડવાઇઝર યુઝ ટુ થયા નથી. માટે ઘણી વખત કરદાતા ન ઇચ્છતો હોવા છતાં કોઇ ખુલાસા કરવાનું રહી જાય અને તેને તકલીફ ન થાય તે માટે એસોસિયેશન દ્વારા કરદાતાને શો-કોઝ કે ફાઇનલ નોટિસનો ફિઝિકલ લેટર મોકલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. તેના ખુલાસા કરદાતા ઓનલાઇન જ કરશે.

(10:05 am IST)