Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

૪૫ દિવસ બાદ ફરી ડીઝલ કરતા પેટ્રોલ મોંઘું

ગુજરાતમાં હાલમાં પેટ્રોલનો ભાવ ડીઝલ કરતા ૪ પૈસા વધુ છે

અમદાવાદ તા. ૧૧ : રાજયમાં ૪૫ દિવસ બાદ ફરી એકવાર ડીઝલ કરતા પેટ્રોલ મોંઘું થયું છે. ૨૫ ઓકટોબરે રાજયમાં પેટ્રોલની કિંમત કરતા ડીઝલની કિંમત વધી ગઈ હતી ત્યાર બાદ સતત ૪૫ દિવસ સુધી રાજયમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘા ભાવે વેચાયું હતું. જોકે, છેવટે ૧૦ ડિસેમ્બરના રોજ રાજયમાં પેટ્રોલની સરખામણીમાં ડીઝલ સસ્તુ થયું છે. જોકે, હાલમાં બને વચ્ચે તફાવત માત્ર ૪ પૈસાનો જ છે. રાજયના તમામ શહેરોમાં ૧૦ ડિસેમ્બરના રોજ થયેલા ભાવ ફેરફાર બાદ પેટ્રોલની સરખામણીમાં ડીઝલ અમુક પૈસા સસ્તુ થયું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારે અને રાજય સરકારે રૂ. ૫-૫ જેટલી આંશિક રાહત જાહેર કરી હતી. આ રાહત બાદ રાજયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોંધાવવાનું શરૂ થયું હતું. જેમાં એક તબક્કો એવો આવ્યો હતો કે, રાજયમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઈ ગયું હતું. રાજયમાં ૨૪ ઓકટોબર, ૨૦૧૮ સુધી સ્થિતિ બરોબર હતી. ૨૪ ઓકટોબરના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૮.૩૦ અને ડીઝલનો ભાવ રૂ. ૭૮.૨૭ હતું. આમ, ૨૪ ઓકટોબર સુધી ડીઝલ કરતા પેટ્રોલ મોંઘુ હતું.(૨૧.૪)

૨૨ નવેમ્બરે સૌથી વધુ તફાવત હતો

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ફેરાફાર થઈ રહ્યા છે. ૨૫ ઓકટોબરથી ૯ ડિસેમ્બર સુધી રાજયમાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવો વધુ હતા. જેમાં સૌથી વધુ તફાવત ૨૨ નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો. ૨૨ નવેમ્બરે અમદાવાદમાં પેટ્રોલ રૂ. ૭૩.૨૬ના ભાવે વેચાયું હતું. જયારે આ જ દિવસે અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂ. ૭૪.૨૫નો હતો. આમ, આ દિવસે અમદાવાદમાં પેટ્રોલ કરતા ડીઝલ ૯૯ પૈસા વધુના ભાવે વેચાયુ હતું. ત્યાર બાદ ભાવોમાં તફાવત ઘટવા લાગ્યો હતો અને કુલ ૪૫ દિવસ બાદ ફરીવાર પેટ્રોલ ડીઝલ કરતા મોંઘું થયું છે. આમ, આ ૪૫ દિવસના સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો તફાવત રૂ. ૧ સુધી પહોંચ્યો ન હતો.

રાજ્યના શહેરોમાં પેટ્રોલ - ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

તફાવત

અમદાવાદ

રૂ. ૬૭.૭૭

રૂ. ૬૭.૭૩

૪ પૈસા

રાજકોટ

રૂ. ૬૭.૫૮

રૂ. ૬૭.૫૬

૨ પૈસા

સુરત

રૂ. ૬૭.૭૭

રૂ. ૬૭.૭૫

૨ પૈસા

વડોદરા

રૂ. ૬૭.૫૦

રૂ. ૬૭.૪૭

૩ પૈસા

(10:05 am IST)